શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે મોરબી વાસીઓની મુશ્કેલી વધતી વધુ એક સમસ્યા સામે આવી છે. જેમાં શેરી ગલીઓમાં રખડતા શ્વાને લોકો માટે ભયનો માહોલ ફેલાવી દીધો છે. શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર ઠેર ઠેર રખડતા શ્વાનની ઝપટમાં સામાન્ય લોકો ચઢી રહ્યા છે. મોરબી જિલ્લામાં છેલ્લા બે મહિનાની વાત કરીએ તો ડીસેમ્બર મહિનામાં 587 જયારે જાન્યુઆરી મહિનામાં 506 લોકો મળી કુલ 1093 લોકોને આ શ્વાને બચકા ભર્યા હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે. તેમાં પણ શ્વાનમાં હડકવાનો રોગ લગતા લોકો માટે મુસીબત રૂપ બની રહ્યું છે. રાત્રીના સમય હોય કે દિવસ શેરીમાં અચાનક કોઈ પણ દિશાએ થી શ્વાન આવી પહોચે છે અને રાહદારીઓને પોતાનો શિકાર બનાવતા નાના બાળકોને પણ ઘર બહાર લઇ જતા પહેલા વાલીઓ વિચારી રહ્યા છે.
નવલખી વિસ્તાર 14 જેટલા લોકો શ્વાનની ઝપટે ચડ્યા
મોરબીના નવલખી રોડના કુબેર નગર વિસ્તારમાં આવેલી અલગ અલગ સોસાયટીમાં એક શ્વાનને હડકવાની અસર થતા એક જ વિસ્તારના 14 જેટલા લોકોની શ્વાનની ઝપટે ચડ્યા હતા. જેનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં એક બાઈક સવારને અચાનક એક શ્વાને બચકું ભરતા તે બાઈક સવાર નીચે પડી ગયા હતા. જોકે શ્વાને ત્યાર બાદ પણ પીછો છોડ્યો ન હતો અને બચકા ભરવા લગતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તેમને છોડાવ્યા હતા.
શહેરી વિસ્તારમાં શ્વાનના રસીકરણનું કોઈ આયોજન નહી
શિયાળા દરમિયાન રખડતા શ્વાન વધુ લોકોને બચકા ભરતા હોય છે. આવી સ્થિતિને પહોચી વળવા મોટા શહેરમાં આવા શ્વાનને પકડી માનવ વસ્તી થી દુર મુકવામાં આવતા હોય છે તો જરૂર પડે તેમણે રસીઓ પણ આપવામાં આવતી હોય છે. જોકે મોરબી જીલ્લામાં મહાનગર પાલિકા હોય પાલિકા વિસ્તાર હોય કે ગ્રામ પંચાયત ક્યાંય પણ આ રસી કરણ કે શેરી ગલીના શ્વાનને પકડી અન્ય સ્થળે ખસેડવાનું કોઈ આયોજન થયું નથી.