મોરબી મનપા બનતા સાથે કચેરીમાં એક પછી એક નવી સમસ્યા સામે આવી રહી છે ખાસ કરીને વિસ્તાર વધતા અરજદારો અને ફરિયાદોનો મારો વધ્યો છે તો બીજી તરફ મનપામાં હજુ કર્મચારીની ઘટ્ટ ઓછી થવાના બદલે વધી રહી છે. જેના કારણે મનપામાં એક સાંધોને તેર તૂટે જેવી હાલત બની ગઈ છે. ગયા સપ્તાહમાં અલગ-અલગ વિભાગના 5 કાયમી કર્મીઓના રાજીનામાં પડ્યા બાદ આજે વધુ એક કરાર આધારિત કર્મચારીએ રાજીનામું ધરી દીધું હતું. કોર્પોરેશનના વર્ક શોપ વિભાગમાં કામ કરતા કર્મચારી જયદીપ લોરિયા નામના કરાર આધારિત કર્મચારીએ રાજીનામું આપી દીધું હતું. કર્મચારીના દાવા મુજબ ઘરમાં પ્રસંગ હોવા છતાં મનપાના ડે કમિશ્નર દ્વારા તેમની રજાઓ મંજુર કરવામાં આવી નથી જેના કારણે નોકરી મુકવા મજબુર બન્યા છે.
મોરબી મનપા કચેરીમાં મોટાભાગના કર્મીઓ વર્ષોથી કામ કરતા હોય જેમાંથી કેટલાય એક કે બે વર્ષમાં નિવૃત થવાની તૈયારીમાં છે. જોકે સતત વધતી કામગીરી ખાસ કરીને કોમ્પ્યુટર વર્ક ફરજીયાત કરવામાં આવતા પાકા ઘડે કાંઠા ચડાવવા જેવી સ્થિતિ બની છે. કેટલાક તો પટાવાળા કે ક્લાર્ક માંથી અલગ-અલગ શાખાના હેડ બનાવી દેવાતા કોમ્પ્યુટર એટલે શું તે પણ અઘરું થઇ ગયું છે તેમ છતાં કમિશ્નર અને અન્ય અધિકારી તરફથી ઓન લાઈન કામગીરી માટે દબાણ કરતા હવે કર્મચારીઓ જાણે થાકી ગયા હોય તેમ ધડાધડ રાજીનામાં આપવા લાગ્યા છે.