HomeGujaratદાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા ક્રમે; વાર્ષિક...

દાડમ ઉત્પાદન ક્ષેત્રે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા ક્રમે; વાર્ષિક રૂ.100 કરોડનું અંદાજિત ટર્ન ઓવર

ઘડિયાળ-સિરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતો મોરબી જિલ્લો કૃષિ ક્ષેત્રે પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અદકેરૂ સ્થાન ધરાવે છે. 

બાગાયતી કૃષિમાં દાડમના વાવેતર અને ઉત્પાદનમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. જિલ્લાના અંદાજિત 2500 ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી 2000 જેટલા ખેડૂતો તો ફક્ત હળવદ તાલુકાના છે. હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે પાંચ ખાનગી માર્કેટિંગ યાર્ડ(મંડી) આવેલા છે. મોરબી જિલ્લામાં અંદાજિત 4500 હેક્ટરમાં અને હળવદ તાલુકામાં 3800 હેક્ટરમાં દાડમની ખેતી થાય છે.  આ ઉપરાત વાંકાનેર માળિયાં તાલુકામાં પણ ખેડૂતો દાડમ પાક તરફ વળ્યા છે. બાગાયતી પાકો માટે સરકાર ખેડૂતોને રોપાના વાવેતર સહિત વિવિધ સહાય આપે છે, જે થકી આ વિસ્તારના ઘણા ખેડૂતોની આવક ડબલ થઈ છે. જે સખત પુરુષાર્થ અને સરકારના સહકાર થકી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે તેની પણ પ્રતીતિ કરાવે છે.

કુદરતે મોરબીને માટીનું વૈવિધ્ય અર્પ્યું છે, વિશ્વને સિરામીકની વિવિધ પેદાશો આપતી સિરામીકની માટી પણ મોરબીની ભૂમિમાં છે, તો મગફળી, કપાસ અને અનેક બાગાયતી પાકો રૂપી સોનુ જ્યાં ઉપજે છે તેવી ફળદ્રુપ જમીન પણ મોરબી પાસે છે. તેમાં કંકુવરણી ભૂમિના પ્રદેશ તરીકે ઓળખાતો હળવદ તાલુકો બાગાયતી ખેતીમાં વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ગુણવત્તાની દ્રષ્ટિએ અગ્રેસર છે. પાંચાળ પ્રદેશની આ માટીમાં ધરતી પુત્રના પુરુષાર્થ થકી પારસમણિ નિપજે તેવી શક્તિ રહેલી છે. ત્યારે બાગાયતી ખેતીના ક્ષેત્રે દાડમની ખેતીમાં હળવદ એક અનન્ય સ્થાન ધરાવે છે. 

‘‘દાડમની ખેતી વર્ષે રૂ. 80 લાખ રળી આપે છે. આર્થિક સમૃધ્ધિ વધવાની સાથે ખેતરોમાં શ્રમિકોને પણ રોજગારી મળે છે’’ – ખેડૂત પ્રફુલભાઈ રાજપરા

ખેડૂત પ્રફુલભાઈ ધનજીભાઈ રાજપરા છેલ્લા 7 વર્ષથી 45 વીઘા જમીનમાં દાડમની ખેતી કરે છે. તેઓ આ વિશે વધુ વાત કરતા જણાવે છે કે, “મારી કુલ જમીન 90 વીઘા છે. અમે વર્ષોથી પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. દસેક વર્ષ અગાઉ સ્થાનિક બાગાયત અધિકારી મને મુંબઈ બાગાયતલક્ષી કૃષિ સેમિનારમાં ભાગ લેવા લઇ ગયા હતા. ત્યાં દાડમ સહિતની આધુનિક ખેતી વિશે માર્ગદર્શન અપાયુ હતું. ત્યારે કશુંક નવું કરવાની ઇચ્છા અને ખેતીમાં ઉત્પાદન – નફો વધારવા દાડમની ખેતીની શરૂઆત કરી. દાડમના રોપાના વાવેતર માટે ખર્ચના 40 ટકા લેખે રૂ.અઢી લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત, દાડમની ખેતી માટે જરૂરી એવા મીની ટ્રેક્ટર માટે રૂ. 50,000 તથા દવા છંટકાવ માટે રૂ. 2 લાખના સ્પ્રેયર પંપની ખરીદી માટે પણ મને સરકારી સબસીડી મળી. ચોમાસુ અને ઋતુ અનુકુળ હોય તો વર્ષે રૂ. રૂ.80 લાખથી પણ વધુનું ઉત્પાદન મળી રહે છે. જેનાથી અમારા જેવા ખેડૂતોની આર્થિક સમૃધ્ધિ વધી છે અને ખેતરોમાં કામ કરતા માણસોને પણ રોજગારી મળી રહે છે. હળવદના દાડમની ઉત્તમ ગુણવત્તાના કારણે વિદેશમાં પણ માંગ છે. અમારી પાસેથી એજન્ટ દાડમની ખરીદી કરી ગુણવત્તા મુજબ ગુજરાત બહારના રાજ્યમાં તથા બાંગ્લાદેશ સહિતના અન્ય દેશમાં નિકાસ કરે છે”.

ઈશ્વરનગરના ખેડૂત ભરતભાઈ માકાસણા. આ 35 વર્ષીય યુવાન એમ.બી.એ.નો અભ્યાસ છોડી ખેતી ક્ષેત્રે કંઈક નવીન કરવાના વિચાર સાથે જોડાયા છે. નર્મદાનું પાણી આવતા હળવદની પાણીદાર ભૂમિ વધુ પાણીદાર બની જેથી ભરતભાઈએ ખેતી ક્ષેત્રે ઝંપલાવ્યું. આ બાબતે તેઓ જણાવે છે કે, “મેં બાર વર્ષ પહેલા દાડમની ખેતીની શરૂઆત કરી, અત્યારે કુલ 65 વીઘામાં દાડમ વાવેલા છે. જેમાં વાર્ષિક 100 થી 150 ટન જેટલું દાડમનું ઉત્પાદન મળી રહે છે અને અંદાજિત 60 લાખથી વધુ આવક મળે છે. હળવદ વિસ્તારના લગભગ તમામ ખેડૂતોના દાડમ ગુજરાત બહાર અન્ય રાજ્યો તથા વિદેશમાં નિકાસ થાય છે”. ભરતભાઈને પણ દાડમની બાગાયતી ખેતી માટે રોપાના વાવેતર માટેની સહાય, ડ્રીપ ઈરીગેશન અને મીની ટ્રેક્ટર માટેની સબસીડી પણ મળેલી છે. 

દાડમની દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિતના દેશોમાં ભારે માંગ 

દાડમના મબલખ ઉત્પાદનના કારણે હળવદ વિસ્તારમાં જ દાડમ માટેના જ પાંચ જેટલા ખાનગી માર્કેટિંગ યાર્ડ પણ આવેલા છે. આ બાબતે દ્રિજા ફ્રુટ માર્કેટ યાર્ડના સંચાલક કાનાભાઈ પટેલ જણાવે છે કે, “હળવદના ખેડૂતોને દાડમ વેચવા ક્યાંય બહાર ન જવું પડે અને ઘર આંગણે જ તેમને સારા ભાવ મળી રહે તે માટે હળવદ વિસ્તારમાં પાંચ ખાનગી ફ્રુટ માર્કેટ યાર્ડ (મંડી) કાર્યરત છે. અમારા ફ્રુટ માર્કેટ યાર્ડમાં વાર્ષિક અંદાજિત ચાર હજારથી પાંચ હજાર ટન દાડમની આવક થાય છે અને જેનું વાર્ષિક ટર્ન ઓવર 20 થી 25 કરોડ જેટલું છે. જેથી હળવદના પાંચ ફ્રુટ માર્કેટ મળી કુલ અંદાજિત સો કરોડ જેટલું વાર્ષિક ટર્ન ઓવર અપેક્ષિત છે. હળવદ વિસ્તારના દાડમ ગુણવત્તા મુજબ દુબઈ, મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ સહિત વિવિધ દેશોમાં તથા ગુજરાત બહાર લખનઉ, કાનપુર, દિલ્હી, બેંગ્લોર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, શિલીગુડ્ડી, યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના વેસ્ટ દાડમની પણ ફ્રુટ માર્કેટ દ્વારા ખરીદી કરવામાં આવે છે. તેના પણ યોગ્ય ભાવ આપવામાં આવે છે. આ વેસ્ટ દાડમની છાલનો પણ અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે.”. 

“મોરબી જિલ્લામાં 4500 હેક્ટરમાં ચાલુ વર્ષે દાડમ પાકના વાવેતર માટે 600 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને સહાય અપાઇ મોરબી જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક 

મોરબી જિલ્લામાં અંદાજિત 4500 હેક્ટરમાં દાડમ પાકનું વાવેતર થયેલું છે અને હળવદ તાલુકામાં અંદાજિત 3800 હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયેલું છે. ચાલુ વર્ષે દાડમ પાકના વાવેતર માટે 600 હેક્ટર વિસ્તારમાં બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેડૂતોને સહાય આપવામાં આવેલી છે. દાડમ પાકને ગોરાડુ અને મધ્યમ કાંપની જમીન અને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે. બાગાયત ખાતા દ્વારા દાડમ સહિતના ફળ પાકના વાવેતર માટે ખેડૂતોને 1 લાખના ખર્ચની સામે 40 હજાર જેટલી સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. ઉપરાંત દાડમ પાક માટે બાગાયત ખાતા દ્વારા બાગાયત યાંત્રિકીકરણ માટે ટ્રેક્ટર, દવાનો છંટકાવ કરવા માટે સ્પ્રેયર પંપ અને ઉત્પાદન થયા બાદ તેના પેકિંગ માટે પેકિંગ મટીરીયલ તથા દાડમને જીવાત અને સૂર્યના તાપથી બચાવવા માટે દાડમના ક્રોપ કવર અને ફ્રુટ કવરમાં પણ સહાય આપવામાં આવે છે. મોરબીમાં ચાલુ વર્ષે ફળ પાકના વાવેતર માટે 145 લાખ અને અન્ય મુખ્ય ઘટકોમાં 125 લાખની સહાય બાગાયત ખાતા દ્વારા આપવામાં આવી છે. મોરબી જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક બ્રિજેશ જેઠલોજાએ જણાવ્યું હતું. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW