જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવા સોશિયલ મીડિયામાં ગ્રુપ અને બલ્ક એસ.એમ.એસ. કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂંકી સંદેશ સેવા) તથા સોશિયલ મીડિયાનો દુરુપ્રયોગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ તેવું અનુભવ પરથી જણાયેલ છે. તેવી જ પરિસ્થિતિ આગામી મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા ઇસમો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચાર સંહિતા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/ સુચનાઓનો ભંગ ન થાય તે માટે મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલિક અટકાવવાની અત્યંત આવશ્યકતા જણાતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેથી ઉક્ત જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ ફેબ્રુઆરી-2025 માં તારીખ:-21/02/2025 સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે વીઆઈ, બીએસએનએલ (સેલ વન), રિલાયન્સ જીઓ, એરટેલ તેમજ વાઇફાઈ સર્વિસ પ્રોવાઇડર જેવી કંપનીઓએ ઉપરોક્ત કાયદાનો ભંગ થાય તેવા, ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા, સક્ષમ સતાધીશ/સમિતિ દ્વારા પ્રસારણ માટે પ્રમાણિત થાય ન હોય તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારિત કરશે કે કરવા દેશે નહીં.
તેમજ રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. મતદાન પુર્ણ થવાના 48 કલાક પહેલા એટલે કે આગામી તારીખ: 14/02/2025 થી 16/02/2025 સુધી સંપુર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધિત કરવાના રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર બનશે.