આજના સમયમાં સરકારી અને ખાનગી મિલકતમાં સુરક્ષાને ધ્યાને લઇ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવતા હોય છે. હવે સરકારી કચેરીમાં ચાલતી ગતિવિધિ અને સુરક્ષાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સીસીટીવી ફીટ કરવા અપીલ કરતા હોય છે જોકે, મોરબી તાલુકા પંચાયત કચેરી દ્વારા ગત 2024માં 16 જેટલા સીસીટીવી કેમેરા માટે સરકારી વેબ સાઈટ GEM(ગવર્મેન્ટ ઈ માર્કેટ) માં ઓનલાઈન ટેન્ડર કર્યું હતું. જેમાં અલગ-અલગ 5 એજન્સી દ્વારા ભાવ ભરવામાં આવ્યા હતા. જે પૈકી રાજકોટની પીરામીડ સોલ્યુશન નામની એજન્સીને કોન્ટ્રાકટ મળ્યો હતો. જોકે આ કોન્ટ્રાકટ લેનારી એજન્સીએ જાણે સરકારી કચેરીમાં લૂંટ ચલાવવાના ઉદેશથી કામગીરી હાથ ધરી હોય તેમ તાલુકા પંચાયતમાં સિક્યોર આઈ કંપનીના SP-C4QN-I5W મોડેલના 13 કેમેરા, એલ ઈ ડી ટીવી ઈંસ્ટોલેશન તેમજ મેન્ટેન્સ નામે તાલુકા પંચાયતને અધધધ કહી શકાય એટલું 6 લાખનું બીલ પકડાવી દીધું હતું અને ચોકાવનારી વાત એ પણ છે કે તાલુકા પંચાયતે આ બીલ મંજુર કરી દીધું અને તેનું ચુકવણી પણ કરી દેતા મોટા પાયે કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
મોરબી તાલુકા પંચાયતમાં ફીટ કરવમાં આવેલા સિક્યોર આઈ કંપનીના SP-C4QN-I5W મોડેલના 4 મેગા પીક્સલના નાઈટ વિઝન અને સાઉન્ડ કેપ્ચર કરતા કેમેરાની હાલ બજાર કિમત કરતા 3 ગણા ચૂકવણા કરવામાં આવ્યું છે ત્યારે ખરેખર આ બાબતે તપાસ થાય તે જરૂરી છે.
સરકારના નિયમ મુજબ પ્રકિયા કરીને અનુસરીને સીસીટીવી ફીટ કર્યા છે
મોરબી તાલુકા પંચાયત કચેરી રોડ પર આવેલી હોવાથી સુરક્ષાના ભાગરૂપે પંચાયત બોડી દ્વારા સામાન્ય સભામાં સીસીટીવી કેમરા માટે ઠરાવ કર્યો હતો. જરૂરીયાત અંગે સર્વે કરી 16 કેમેરાની જરૂરિયાત લગતા આગળની પ્રકિયા હાથ ધરી હતી. જેમાં સરકારી ચીજ વસ્તુની ખરીદ માટે ના પોર્ટલ GEM માં ઓનલાઈન ટેન્ડર પ્રકિયા કરી હતી. જેમાં 5 જેટલી એજન્સી આવી હતી જેનો સૌથી ઓછો ભાવ 7.98 લાખનો ભાવ આવ્યો હતો. જે પાંચેય એજન્સીમાં સૌથી ઓછા હતા. જેથી સૌથી નીચા ભાવ વાળી પીરામિડ સોલ્યુશનને માન્ય રાખી હતી. જેના માટે ડી એલ પીસી ની કમિટીએ પણ મંજુરી આપી હતી અને તમામ પ્રકીયાઓ અનુસરી અમે આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અમારા દ્વારા તમામ નિયમ મુજબ કામગીરી કરી છે ગેરરીતી થઇ નથી તેમ ટીડીઓ પી એ ચાવડાએ જણાવ્યું હતું.
GUJRAT E MARKETમાં થતી ખરીદી બજાર કરતા મોંઘી હોવાનું તારણ,
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ કચેરીમાં ટાંચણીથી લઇ મોંઘી દાટ મિલકતની ખરીદી GEM એટલે કે GUJRAT E MARKET માંથી જ ફરજીયાત પણે કરવાની રહે છે. જોકે આ E માર્કેટ માં ઉપલબ્ધ તમામ ચીજ વસ્તુઓની ગુણવતા ખુબ ખરાબ હોવાનું અને તેની સામે બજાર ભાવ કરતા ઉચા ભાવે હોવાની અનેક સરકારી કચેરીમાંથી ફરિયાદ ઉઠી છે. અગાઉ મોરબીના ધારાસભ્ય દ્વારા પણ આ બાબતે સંકલન બેઠકમાં ચર્ચા કરી હતી, પણ રાજ્ય સરકારના આદેશ હોવાથી અધિકારીઓ ઈચ્છે તો પણ તેમાં ખરીદી કરી શકતા નથી. આ ઉપરાંત GEM માં રજીસ્ટ્રેશન કરતી એજન્સી પર કોઈનો પણ અંકુશ નથી જેથી તેનું સ્ટાન્ડાર્ડ જળવાવું જોઈએ તે પણ જળવાતું નથી.