અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે.
કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. તે દરમિયાન બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડએ આગ પર કાબૂ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. આ તરફ હવે સામે આવ્યું છે કે, કાપડ ભરેલ ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીનો હોય તેવું જાણવા મળ્યું હતું. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. નોંધનીય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે, જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે.

