Tuesday, March 25, 2025
HomeGujaratવલસાડ પોલીસના મિશન ‘મિલાપ’એ માત્ર 10 મહિનામાં લાપતા 400 વ્યક્તિઓને પરિવાર સાથે...

વલસાડ પોલીસના મિશન ‘મિલાપ’એ માત્ર 10 મહિનામાં લાપતા 400 વ્યક્તિઓને પરિવાર સાથે મિલન કરાવ્યું


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસના ખાસ સંવેદનશીલ મિશન ‘મિલાપ’ની પ્રશંસા કરી વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા, મિશન ‘MILAAP’ અંતર્ગત છેલ્લા 16 વર્ષથી લાપતા/અપહ્યુત લોકોની યાદી તૈયાર કરી 112 બાળકો સહિત 400 લોકોને શોધી વલસાડ પોલીસે પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવી અલગ-અલગ ટીમો બનાવી વિવિધ રાજ્યોમાં નવેસરથી સઘન શોઘખોળ અભિયાન ચલાવવામાં આવ્યુ હતું.

છેલ્લા 16 વર્ષથી લાપતા બાળકો સહિત પુખ્ત વ્યક્તિઓને શોધી તેમના પરિવાર સાથે ‘મિલાપ’ કરાવવા માટે વલસાડ પોલીસ દ્વારા ખુબ જ સંવેદનાસભર એક ખાસ ‘મિશન’ શરૂ કરવામાં આવ્યુ હતું. આ ખાસ અભિયાન ‘MILAAP- Mission For Identifying & Locating Absent Adolescents & Persons’ અંતર્ગત વલસાડ પોલીસ દ્વારા 10 મહિનામાં 400 વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવી આ તમામ ઘરોમાં સ્મિતને પુન: જીવીત કર્યુ છે.

ગુમ કે અપહરણ થયેલા વલસાડ જિલ્લાના વ્યક્તિઓ પૈકી મળી આવેલા 400 વ્યક્તિઓમાં 76 સગીરા અને 36 સગીર બાળકો મળી 18 વર્ષથી નાના 112 બાળકોનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસે લાપતા કે અપહ્યુત વ્યક્તિઓને સ્વજન સુધી મેળાપ કરાવી દેવા માટે શરૂ કરેલા આ સરાહનિય અભિયાનની પ્રશંસા કરી સમગ્ર અભિયાનમાં સંવેદના સાથે કામ કરનાર વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સુચનાથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી- 2024થી શરૂ કરવામાં આવેલા આ મિશન મિલાપ અંતર્ગત વલસાડ જિલ્લા એમ.ઓ.બી શાખા દ્વારા 16 વર્ષથી ગુમ કે અપહરણ થયેલા બાળકો-વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યાર બાદ જે તે સમયની તમામ જુની ફાઇલો ઓપન કરી સંલગ્ન પોલીસ મથકના અમલદારો સાથે કેસની ચર્ચા કરીને શોધખોળ માટે સંવેદના સાથે કામગીરી શરુ કરી. બીજી તરફ લાપતા લોકોના પરિવારના સભ્યોનો સંપર્ક કરી ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલા સરનામે શોધખોળ ચાલુ રાખવામાં આવી.

ઘણાં ખરા કિસ્સાઓમાં ગુમ/અપહરણ થનાર બાળકો તથા વ્યકિતઓ ગુજરાત રાજ્ય બહાર રહેતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આ તમામ કિસ્સાઓમાં સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જે-તે રાજ્યમાં સરપંચો, ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવી અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ રાજ્યોમાં નવેસરથી ગુમ/અપહરણ થયેલા બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સઘન અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.

આ અભિયાનમાં જાન્યુઆરીથી ઓકટોબર- 2024 દરમિયાન 10 માસના ટુંકા સમયગાળામાં ગુમ/ અપહરણ થયેલા કુલ- 112 બાળક/બાળકીઓ તથા 182 મહિલા- 106 પુરૂષ એમ કુલ- 288 પુખ્ત વ્યક્તિઓ મળીને કુલ- 400 લોકોને શોધી કાઢવામાં વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,456FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW