HomeGujaratમોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાની આજે બીજી વરસી,135 મૃતકનો પરિવાર હજુ પણ ન્યાય...

મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાની આજે બીજી વરસી,135 મૃતકનો પરિવાર હજુ પણ ન્યાય માટે ઝંખે છે

તમામ આરોપીઓ હાલ જામીન પર, કોર્ટમાં હજુ પણ ચાર્જ સીટ ફ્રેમ ન થઈ દિવાળી પછી પ્રકિયા આગળ વધે તેવી શક્યતા,  

135 લોકોના ભોગ લેનારા મોરબી ઝૂલતા પૂલ દુઘર્ટનાની આજે બીજી વરસી છે. મોરબી સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી પરિવાર અને સગા સબંધી સાથે મજા માણવા આવેલા પરિવારજનોની આંખમાં કાયમ માટે અંધકારમય બની છે મોરબી બની ગઈ છે. 

30 ઓકટોબર 2022ની સાંજે મોરબી સહિત દેશને હચમચાવી દેનારી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના બની હતી. દિવાળીની રજાઓમાં પરિવાર સાથે મોરબીની અજાયબી સમાન ઝૂલતા પૂલની મજા માણવા આવેલા લોકો માટે કાયમી ની સજા બની ગઈ હતી. ઝૂલતા પૂલનો એક તરફનો તાર કડાકા સાથે તૂટતાં માત્ર ગણતરી ની મિનિટમાં પૂલ પર ઝુલવાની મજા માણતા 300થી વધુ લોકો શહેરની ગંધાતા ગટર ના પાણીમાં એક સાથે ખાબક્યા તો કેટલાક પથ્થર પર પડ્યા હતા. જેના પગલે આખો પુલ લોકોની ચિચિયારીઓ થી ગુંજી ઉઠ્યો હતો. નાના બાળકો થી લઈ યુવાનો યુવતી દંપતી સહિતના 135 લોકો આં કાળજું કંપાવતી ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.  આ દુર્ઘટનાની આજે બીજી વરસી છે. જે પણ પરિવારોએ આં દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તે આજના દિવસે પોતાના સ્વજનની યાદમાં હજુ ચોધાર આંસુડે રડી રહ્યા છે. ક્યારેય ભૂલી ન શકાય તેવું આં દુર્ઘટનામાં જે તે સમયે પીએમ થી લઇ તમામ કદાવર નેતાઓએ મૃતકના પરિવારજનોને ત્વરિત ન્યાય આપવાની ખાતરી આપી હતી જોકે આ ખાતરી બે વર્ષ બાદ પણ અધૂરી છે.

મોરબી સેશન્સ કોર્ટ રેગ્યુલર કેસ તેમજ હાઇકોર્ટમાં સુઓ મોટો પિટિશન પર સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. મૃતકના પરિવાર ન્યાયની આશા એ ક્યારેક મોરબી કોર્ટ તો ક્યારેક હાઈ કોર્ટમાં ન્યાયની અપેક્ષાએ જઈ રહ્યા છે. તેઓ કોર્ટ જવાબદારોને સજા મળવાની સપનું લઈને જાય છે. મોરબી કોર્ટમાં બે વર્ષ જેટલો સમય થયો જોકે હજુ કોર્ટમાં ચાર્જ સીટ ફ્રેમ ન થતાં પોલીસે એફ આઇ આર માં જે જે નામ લખ્યા છે તેની સામે આરોપો ઘડાયા નથી જોકે છેલ્લી મુદ્દત પડી તે પહેલાં આં કેસની સુનવણી ચલાવવામાં આવતી અડચણો દૂર થઈ જતાં આગામી સુનવણીમાં ચાર્જ સીટ ફ્રેમ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. જેથી દિવાળી બાદ  આં કેસમાં ઝડપી સુનાવણી હાથ ધરવામાં આવી શકે તેવી અપેક્ષા પીડિત પરિવાર રાખી રહ્યા છે.

અમને ન્યાય મળશે ત્યારે જ આઘાતની કળ વળશે

મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનાની કાલે બીજી વરસી છે. આ દુર્ઘટનામાં 135 વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. જેમાંથી એકનો એક પુત્ર અને ભાઈ તેમજ તેનો પુત્ર એમ એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યો ગુમવનાર જગદીશભાઈ વશરામભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, મારો એકનો એક પુત્ર અને ભાઈ તેમજ એનો પુત્રનું ઝૂલતાપૂલ દુર્ઘટનામાં મોત થયું ત્યારથી અમારા ઘરમાં ખુશી જ રહી જ નથી. તહેવારોની આનંદની વાત બાજુએ રહી પણ અમે હસવાનુ ભૂલી ગયા છીએ. મારો ભાઈ અને તેનો પુત્રને ગુમાવતા હવે એક 16 વર્ષની દીકરી વંદના જ બચી છે. આ દીકરી અત્યારે 11માં ભણે છે. પણ તેની આખો પિતા અને ભાઈની યાદમાં રડી રડીને સૂઝી ગઈ છે. જ્યારે જગદીશભાઈના પિતા વશરામભાઈ મકવાણા કહે છે કે, આ ઘટના બની ત્યાર પહેલા મારા મૃત્યુ પામેલા દીકરાએ અમને પતિ-પત્નીને ચારધામની યાત્રાએ મોકલી પુત્ર અનંત યાત્રાએ ઉપડી ગયો હતો. આથી બે વર્ષથી તહેવારો કે અન્ય કોઈ બાબતનો ઉમંગ જ રહ્યો નથી. આઘાત એટલો લાગ્યો છે કે જ્યારે ન્યાય મળશે ત્યારે જ આ આઘાતની કળ વળશે.

કોર્ટ ઉપર તો પૂરો વિશ્વાસ છે પણ…

મોરબીના બૌઘ્ઘનગરમાં રહેતા અને ઝૂલતાપૂલની દુર્ઘટનામાં ત્રણે ત્રણ પુત્રો ગુમાવનાર રાજુભાઈ મુછડિયાએ જણાવ્યું હતું કે, મારા જેવા કેટલાય લોકો આ દુર્ઘટનાથી પીડિત છે. મારે ત્રણ પુત્રો ગુમાવવા પડ્યા તેની ખોટ ઈશ્વરે સલવા દીધી નથી. ભગવાને ત્યારપછી ન્યાય આપીને પુત્રની ખોટ સરભર કરી છે. એ વાતની ખુશી તો છે. પણ ત્રણ જુવાનજોધ પુત્રો ગુમાવવા પડ્યા એનું દુઃખ જિંદગીભર રહેશે. જો કે અમને બધાને ન્યાય મળવો જોઈએ એટલે બંધારણ અને કોર્ટ ઉપર પૂરો વિશ્વાસ છે. પણ જે રીતે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે તેનાથી દિલ ગભરાય છે. કે ન્યાય મળશે કે નહીં કારણ કે, આરોપીઓ જામીન ઉપર છૂટી ગયા છે અને મોજમાં ફરે છે. અમારા ઉપર તો વીજળી ત્રાટકી હોય એટલું દુઃખ છે. એટલે અમે તો આ દુર્ઘટનાને ક્યારેય ભુલીશું નહિ, પણ લોકો ભૂલી ગયા છે અને માહોલ પણ બદલાય ગયો છે. જેવી રીતે મચ્છુ જળ હોનારત લોકોને વરસીએ જ યાદ રહે છે.એવી સ્થિતિમાં ન્યાયની આશા થોડી ઝાંખી થઈ હોય તેમ  બની છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW