હળવદમાં ભારે વરસાદના પગલે થયેલા પાક નુકસાનીનું સર્વે બાદ ગોટાળા થયાના આક્ષેપ સાથે આજે માયાપુર ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ફરી સર્વે કરવાની માગણી કરી હતી તો સાથે અધિકારી દ્વારા સગાવાદ ચલાવીને સર્વે કર્યો હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો.
હળવદ તાલુકાના વિવિધ ગામોમાં ઓગસ્ટમાં વરસેલા વરસાદના પગલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા હેક્ટર દીઠ 22 હજાર પિયતમાં અને બિનપિયતમાં 11 હજારની જાહેરાત કરી છે આ જાહેરાત બાદ માયાપુર ગામના મોટાભાગના ખેડૂતોના નામ સર્વેમાં નહીં આવતા આજે હોબાળો મચાવ્યો હતો અને રીસર્વે માંગણી કરી છે.હળવદ તાલુકામાં 4 હજારથી વધુ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજમાં લાભ મળવાનો છે તેમાં પણ તાલુકાના ઘણા બધા ગામોમાં ખેડૂતો સર્વેને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ઘણા બધા ગામોમાં યોગ્ય સર્વે નહીં થયો હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે માયાપુર ગામમાં ભરતભાઈ કણઝરીયા, પ્રશાંતભાઈ નથુભાઈ, ખીમજીભાઈ ગોવિંદભાઈ, સહિતના ખેડુતોએ જણાવ્યું હતું કે અમારી સીમમાં ગુવારનો પાક વાવેતર નહીં કર્યો હોવા છતાં પણ સર્વે થયાનો અને બાવળ ઉગેલા હોય તેવા વિસ્તારોમાં પણ સર્વે કરીને રાહત પેકેજમાં લાભાર્થી તરીકે નામ સામે આવ્યા છે તો જ્યાં ખેડૂતોને નુકસાન થયેલા છે તેવાં ખેતી પાકોમાં સર્વે યોગ્ય રીતે નહીં કર્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો.માયાપુર ગામમાં 400 વીઘાથી વધુ વીઘામાં ખેતી પાકોમાં નુકસાન થયું છે અને હાલમાં જે સર્વે થયું છે તેમાં 62 જેટલા ખેડૂતોને લાભ મળશે જ્યારે આખાં ગામમાં મોટાપ્રમાણમાં નુકસાન થયું છે તો સર્વે કરનાર અધિકારીઓ દ્વારા સગાવાદ ચલાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

