Monday, September 9, 2024
HomeGujaratનાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે...

નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ કાંજીયાને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનીત કરવામાં આવ્યા

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ આયોજીત રાજ્ય કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકનું ગાંધીનગર ખાતે શિક્ષકદિનના દિવસે આયોજન કરવામાં આવ્યુ હતું. શિક્ષણમાં સતત નાવીન્યસભર, વિશિષ્ટ અને ઈનોવેટીવ રીતે કામગીરી કરતા સમગ્ર ગુજરાતમાંથી પ્રાથમિક વિભાગમાંથી 14 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જે શિક્ષકોનોએ વોર્ડ વિતરણ સન્માન કાર્યક્રમ ટાગોર હોલ – અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાએ એવોર્ડ વિજેતા શિક્ષકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને બ્રાસ પ્લેટ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જિલ્લાના નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષણમાં ઇનોવેટીવ અને ગમ્મત સાથે જ્ઞાન આપનાર તથા ‘સરકારી શાળા શ્રેષ્ઠ શાળા’ને ચરિતાર્થ કરનાર અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાની પસંદગી કરવામાં આવી હતી. જ્યાં તેમને ગુજરાતના મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ગુજરાત શ્રેષ્ઠ શિક્ષક પ્રશસ્તિપત્ર, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિલ્ડ, શિક્ષણમંત્રી ના હસ્તે સાલ અને 51,000 રૂપિયાનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબીના ખાખરાળાના વતની અને હાલ નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોક કુમાર મહાદેવભાઈ કાંજીયાએ પોતાની શાળામાં કરેલા વિવિધ ઈનોવેશન જિલ્લા કક્ષાએ રજુ કરેલા છે. આ ઉપરાંત બાળકો મોબાઈલ દ્વારા જ પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે વિવિધ પ્રકારની ઓનલાઈન કસોટી બનાવવામાં આવે છે. વિદ્યાવાહક તરીકે GIET અમદાવાદ આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે જેવા શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ જે બદલ ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા બે વખત સન્માન કરવામાં આવેલ. ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર તરીકે વિવિધ શાળામાં મુલ્યાંકન કાર્યપણ કરેલ છે, તેમજ શિક્ષક તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર તરીકે કામ કરેલ છે. તેમના આચાર્ય તરીકે ના કાર્યકાળમાં મુખ્યમંત્રી હસ્તે સ્વચ્છ શાળા એવોર્ડ તેમજ વોટર ફેસીલીટી એવોર્ડ પણ મેળવેલ છે. તેમજ ‘ગામનું બાળક ગામમા જ ભણે’ એ સુત્રને સાર્થક કરવા માટે વેકેશનના સમયગાળામાં ડોર ટુ ડોર વાલી મુલાકાત કરી 76 બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત પુલવાના હુમલામાં શહીદ પરીવાર માટે ગામમાં મૌન રેલી દ્વારા ફાળો એકત્રિત કરવો, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, બાળમેલા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃતિમય શિક્ષણ, વાલીમીટીંગ, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, હોળી-ધુળેટી,જન્માષ્ટમી, નવરાત્રી, રક્ષાબંધન, શિક્ષકદિન, રાષ્ટ્રીયપર્વની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ, દિન વિશેષ વિડિયો, શાળા નિર્માણ અને ભૌતિક સુવિધા વધારવા માટે લોકસહકાર મેળવી શાળામાં ખૂબ મોટુ યોગદાન રહ્યુંછે. શિક્ષણની સાથે સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.

તેઓ વિવિધ ધાર્મિક કાર્યો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. જેમાં તેઓ છેલ્લા 10 વર્ષથી બાળકોના સહકારથી ‘પક્ષી બચાવો અભિયાન’ પણ ચલાવી રહ્યા છે. તેમજ સમાજ ઉત્થાન માટે અંધશ્રધ્ધા જાગૃતિકાર્યક્રમો, ફ્રી મેડીકલ કેમ્પ, ભાગવત પારાયાણ વગેરે જેવા ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. તેમના આવા વિવિધ કાર્યો માટે આજે રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. આ અગાઉ તેમને પૂ. મોરારી બાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ, મોરબી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ગિજુભાઈ બધેકા, પાટીદારરત્ન એવોર્ડ, વિદ્યાવાહક સન્માન, ગુરૂવંદના સન્માન, વિશિષ્ઠ શિક્ષક સન્માન વગેરે જેવા જુદા જુદા 36 જેટલા એવોર્ડ અને સન્માન મેળવેલ છે. આ સન્માન મળતા અશોકભાઈને ચો તરફથી શુભકામનાઓ મળી રહી છે. તેમને જણાવ્યું હતું કે, આ એવોર્ડ માતા-પિતાના આશીર્વાદ, શાળા પરિવાર અને વાલીઓનો સહયોગ તથા શાળાના બાળદેવોને આભારી છે. આ તકે તેમણે તાલુકા જિલ્લા તેમજ રાજ્ય પસંદગી તેમજ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શિક્ષણ સચિવ મુકેશ કુમાર, GCERT નિયમક એમ.આઈ.જોષી, ગુજરાત પાઠયપુસ્તક મંડળના સભ્યો તથા એવોર્ડી શિક્ષક પરીવાર ઉપસ્થિત રહી સન્માન કાર્યક્રમની શોભા વધારી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW