મોરબીના મહેન્દ્રનગર ગામની સોમનાથ સોસાયટીની મહિલાઓએ આજે પાણી પ્રશ્ને તંત્રને પાણી બતાવ્યું હતું અને મહિલાઓએ પાણી પ્રશ્ને કલેકટર કચેરીએ ઉગ્ર રજુઆત કરી હતી કે, તેમની સોસાયટીમાં છેલ્લા પાંચ મહિનાથી પાણી આવતું જ નથી. સોમનાથ સોસાયટીની મહિલાઓએ જણાવ્યું હતું કે, પાંચ મહિનાથી એક ટીપું પાણી આવતું નથી તેમજ કચરાવાળા પણ આવતા ન હોવાથી ગંદકીના થર જમ્યા છે. પાણીની લાઈન અગાઉ કાપી નાખી હતી. એટલે પાણી આવતું નથી. સોસાયટીના પાછળના ભાગમાં પાણી આવતું ન હોય એટલે આ મહિલાઓએ નાખેલી લાઈન કાપી નાખતા હવે તેઓ પાણી વગરના થઈ ગયા છે. ગ્રામ પંચાયતમાં આ પ્રશ્ન હલ ન થતા અંતે કલેકટર પાસે રજુઆત કરવા દોડી આવ્યા છે.બધા વેરા ભરવા છતાં સુવિધા મળતી નથી. પાણી ન આવતા મોંઘા ભાવના ટેન્કર મંગાવવા પડે છે.બોર પણ કર્યા છે. પણ ખારું પાણી આવતું હોય ગુમડા કે ધાધર થઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી. બોરનું પાણી પીવા લાયક હોતું નથી. એટલે પીવાનું પાણી વેચાતું મંગાવું પડે છે. આગળના લોકો મોટર ચાલુ કરે એટલે પાછળના લોકોને પાણી મળતું નથી. તેથી વગર મોટરે પૂરતા પ્રમાણમાં બધાને પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.

