મોરબી તા. 3 ઓગસ્ટ નારી વંદન સપ્તાહ ઉજવણી અંતર્ગત તારીખ :-03/08/2024 ના મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મોરબી તાલુકાના વિરપર ગામમાં નવયુગ કોલેજ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણબેન જયેશભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે રોજગારલક્ષી યોજનાઓની માહિતી અંગે જાગૃતતા તથા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી દ્વારા ઉપસ્થિત દીકરીઓને પોતાનામાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાણીને પોતાના ધ્યેય નક્કી કરીને તે ધ્યેય સુધી પહોંચવા સંદેશો આપ્યો હતો. જિલ્લા રોજગાર અધિકારી મનીષાબેન સવનિયા દ્વારા મહિલા એમ્પાવરમેન્ટ બાબતે માહિતી આપવામાં આવી હતી તેમજ હાલના સમયમાં મહિલાઓની આર્થિક અને સામાજિક સ્વતંત્રતા, મોબાઈલના બિનજરૂરી ઉપયોગ વિષે પણ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા ઉદ્યોગના અધિકારીશ્રી દ્વારા નવો વ્યવસાય શરૂ કરવા તેમજ પ્રધાનમંત્રી સ્વાવલંબન યોજનાનો મહિલાઓને મળતા લાભ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ DHEW યોજનાના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડીનેટરએ મહિલા અને બાળ કચેરીની મહિલા સ્વાવલંબન યોજના વિષે માર્ગદર્શન આપી હાજર લાભાર્થીઓ તથા તેની આસપાસના જરૂરીયાતમંદ લોકો સુધી માહિતી પહોંચાડીને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટેના રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 થી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી હતી અને ઉમેદવારોએ આ રોજગાર મેળાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં નવયુગ કોલેજના ટ્રસ્ટી પી.ડી. કાંજીયા તેમજ બલદેવભાઈ સરસાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.