Sunday, July 7, 2024
HomeGujaratમોરબીના રવાપરમાં 36.77 કરોડના ખર્ચે બનેલા 28 MLD ક્ષમતાવાળા પંપિંગ સ્ટેશનનું લોકાર્પણ...

મોરબીના રવાપરમાં 36.77 કરોડના ખર્ચે બનેલા 28 MLD ક્ષમતાવાળા પંપિંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

મોરબી ખાતે 36.77 કરોડથી વધુના ખર્ચે નિર્મિત મચ્છુ -2 ડેમ આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાનું જળ સંપતિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વિધિવત પૂજન કરી અને રીબીન કાપી યોજના મોરબીને અર્પણ કરી હતી.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતના ઇતિહાસમાં આ સૌથી વધુ ક્ષમતા વાળી પાણી પુરવઠા યોજના રવાપર ગ્રામ પંચાયતને મળી છે. આ યોજના થકી અંદાજિત 90 હજાર જેટલી વસ્તીને પીવાનું પાણી મળી રહેશે. મોરબી જિલ્લામાં 160 કરોડના ખર્ચે વિવિધ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાઓ બની રહી છે આ યોજનાઓ થકી મોરબી જિલ્લાના તમામ ગામોમાં વ્યક્તિદીઠ 100 લિટર તેમજ શહેરી વિસ્તારમાં 140 લિટર પાણી મળતું થશે. મંત્રીએ જણાવ્યું હતું કે છેવાડાના ગામડાઓના પાણીનો પ્રશ્ન ન રહે તેવો સરકારશ્રીનો અભિગમ છે. જો સૌની યોજના ન બની હોત તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સ્થળાંતર થઈ ગયું હોત તેવું જણાવી વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂતો સધ્ધર બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણી સહિત મોરબી જિલ્લાને અનેક પ્રકલ્પોની ભેટ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ ગુજરાતમાંથી આવી અદકેરી પાણી પુરવઠા યોજના મોરબી જિલ્લામાં આપવા બદલ મુખ્યમંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આયોજનબદ્ધ રીતે પાણી વિતરણ થાય તેમજ પાણીનો યોગ્ય અને વિવેક પૂર્વક ઉપયોગ થાય તે આપણી સૌની જવાબદારી છે. સરકારે જ્યારે આપણને આવડી મોટી ભેટ આપી છે ત્યારે આપણે પણ અવશ્ય આપણી જવાબદારી નિભાવીએ.

મોરબી પાણી પુરવઠા વિભાગ દ્વારા 33,77,13877.4 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. 28 એમએલડી ક્ષમતા સાથેના ફિલ્ટર પ્લાન્ટ ધરાવતી આ યોજના મચ્છુ -2 ડેમ આધારિત છે. આ યોજનામાં ફિલ્ટર પ્લાન્ટ હેડ વર્કર્સ ખાતે 28 એમએલડી ફિલ્ટર પ્લાન્ટ, 120 લાખ લીટરની ક્ષમતાનો ક્લિયર વોટર પંપ, 40 લાખ લિટર ક્ષમતાની 12 મીટર ઊંચી ટાંકી અને સેક્શન ટાઈપના પંપ સાથેનો પંપિંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવ્યા છે. આ યોજના થકી રવાપર ગામ અને આસપાસની સોસાયટીઓ અને વિસ્તારમાં 90 હજાર જેટલી વસતીને 30 વર્ષ સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા નહિ રહે.

આ લોકાર્પણ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ઈનચાર્જ કલેક્ટર અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન -3 ના મુખ્ય ઈજનેર આર.એમ. મહેરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય પરસોતમ ભાઈ સાબરિયા, અગ્રણી રણછોડભાઈ દલવાડી, ચેમ્બર્સ ઓફ કોમર્સ મોરબીના પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિત અગ્રણીઓ, અધિકારીઓ, રવાપરના ગ્રામજનો અને  મોરબી નગરવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW