ખેડા જિલ્લામાં આવેલા કાળીયા ઠાકોર ના ધામ એવા ડાકોરમાં સોમવારે વહેલી સવારે મંગળા આરતી સમયે ભક્તો વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. ભગવાનના મંદિરના ઘુમ્મટમાં જ ભક્તો બાખડ્યા હતા. જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે. જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળાઆરતી સમયે જ મારામારીના દ્દશ્યો સર્જાયા હતા. મંદિરના ઘુમ્મટમા જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી. જોકે, આ છુટાહાથની મારામારીના દ્દશ્યો કેમેરામાં કેદ થયા હતા.
મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનનાં દ્રાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભ ગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા આ બબાલ કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો