ખેતી વર્ષોથી વરસાદ આધારિત, ઉપરથી ગયા વર્ષે નબળા બિયારણથી પાક બગડ્યો
સતત ત્રણ વર્ષ સુધી અનિયમીત વરસાદથી ખેતરમાં ઉભો પાક નિષ્ફળ ગયો
વર્ષોથી ભારત દેશ ખેતીપ્રધાન હોવાની વચ્ચે દરેક ગામડાની ખેતી હરીભરી બની શકે તે દિશામાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે પણ ઘણા ગામોની ખેતી વરસાદ આધારિત હોય અને એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મોરબી તાલુકાના ખારચીયા ગામ છે. આ ગામની ખેતી બદતર બની છે. વર્ષોથી આ ગામની ખેતી હરિભરી કે સમૃદ્ધ બની શકી નથી. કારણ કે મોરબી જિલ્લાના ઘણા ગામો નર્મદા કેનાલ સાથે સંકળાયેલા હોય પણ ખારચિયા ગામને આવી એક કેનાલ સાથે સ્નાન સુતક નોય સબંધ ન હોવાથી ગામના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.

મોરબીના ખારચીયા ગામના સરપંચ કહે છે કે,હાલ આ ગામની વસ્તી 700ની આસપાસ જ થાય છે. ગામના મોટાભાગના એટલે અડધોઅડધ લોકોએ નોકરી ધંધા અર્થે ગામમાંથી હિજરત કરીને મોરબી શહેરમાં સ્થાયી થયા છે. ગામના દરેક મકાનો પાકા, તમામ શેરીઓમાં પાકા રોડ રસ્તા, લાઈટ, સ્વચ્છતા, ગટર, સ્કૂલ, આંગણવાડી સહિતની સુવિધાઓ છે. પણ હજુ ગામના ઘણા ખેડૂતો ખેતી પર જ નભે છે. પણ દુર્ભાગ્યવશ ગામની ખેતી વરસાદ આધારિત છે. ખેતી અનુકુળ સારો વરસાદ થાય તો જ અને એ પણ એક જ સિઝનનો ખેડૂતો પાક લઈ શકે છે. કારણ કે, નર્મદા કેનાલ તેમના ગામને ટચ થતી જ ન હોય સિંચાઈ માટે પાણી મળતું જ નથી. આથી વર્ષમાં ખેડૂતો માટે ત્રણ સિઝન હોય પણ અમારા ગામના ખેડૂતો રવિ સીઝન અને ઉનાળુ સીઝનનો પણ પાક લઈ શકતા નથી. ગયા વર્ષે બિયારણ નબળું હોવાથી ગામના ઘણા ખેડૂતોને વધતે ઓછા અંશે નુકશાન થયું હતું. પણ છેલ્લા ત્રણ વર્ષથી પાક નિષ્ફળ જાય છે. ઉપરાઉપરી ત્રણ વર્ષ સુધી અપૂરતો કે વધુ વરસાદથી ખેડૂતોના પાક નિષફળ જવાથી માથે ઓઢીને રોવાનો વખત આવ્યો છે અને વર્ષો પહેલા આ ગામ લોકોથી હર્યુંભર્યું હોય પણ ખેતી પડી ભાવતા નોકરી કામ ધંધા અર્થે 50 ટકા જેવું શહેરીકરણ થઈ ગયું છે અને હજુ પણ સિંચાઈની યોગ્ય સુવિધા નહિ મળે તો હાલ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે તે પણ ન છૂટકે શહેર તરફ જવા મજબુર બનશે

