નવી દિલ્હીમાં 9થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી G-20 સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. G-20 સભ્યોના મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પોતાની પત્ની અક્ષતા મૂર્તિ સાથે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ તેમનું સ્વાગત કર્યું હતું.
કૃષિ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે જ્યોર્જિયા મેલોનીનું સ્વાગત કર્યું હતું. આ સમિટમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સિવાય 9 વધુ દેશોને સમિટમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. બ્રિટનના PM ઋષિ સુનક પણ દિલ્હી પહોંચ્યા છે. બ્રિટિશ પીએમ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે.

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ આજે સવારે ભારત આવી પહોંચ્યા હતા. તેમજ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનૌથ અને નાઈજીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુ પણ આવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ અહેમદ તિનુબુનું સ્વાગત મરાઠી ધૂન સાથે કરવામાં આવ્યું હતું. તેઓ G20માં ગેસ્ટ તરીકે સામેલ થવા પહોંચ્યા છે.
આ દરમિયાન એવા સમાચાર છે કે ભારતીય વાયુસેનાએ ચીન-પાકિસ્તાન સરહદ પર ચાલી રહેલી ત્રિશૂલ કવાયતને રોકી દીધી છે. એજન્સી ANIના જણાવ્યા અનુસાર, કવાયતમાં સામેલ રાફેલ, સુખોઈ, મિગ, મિરાજ અને ચિનૂક જેવા ફાઈટર જેટને જી20 સમિટની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યાં છે.