ઔદ્યોગિક નગરી મોરબી આર્થિક સંપન્ન ભલે હોય પરંતુ સામાજીક અને સંસ્કારની બાબતમાં કંગાળ થતી જાય છે.જેને ખબર જ નથી કે પૈસા કેવી રીતે કમાઈ શકાય છે તેવા લવર મુછીયા આનંદ પ્રમોદના નામે ધનની સાથે પરિવાર અને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યા છે અને કહેવાતા સુખી સંપન્ન મોરબીના બુદ્ધિજીવીઓ મૌન બેસીને આ અધઃપતનનો તમાશો જોઈ રહ્યા છે
મોરબીમાંથી અગાઉ એમડી ડ્રગ્સ પકડાયું હતું અને હવે ખાખીએ મોરબી માંથી હેરોઈન ઝડપી લીધું છે આવા કિસ્સાઓ મોરબી માટે લાલબતી છે ડ્રગ્સ સાથે ઝડપાયેલા ભલે ગુજરાત બહારના હોય પરંતુ જેના માટે આ કિંમતી ડ્રગ્સ લવાયું તે તો ચોક્કસ મોરબીના કોઈ નબીરા જ હશે કારણકે આવા ડ્રગ્સ ખરીદવાની તાકાત કોઈ શ્રમિકની તો હોય જ ના શકે
મોરબીમાં કાયમ લોકો ચર્ચા કરતા નજરે પડે છે કે પોલીસ નિષ્ઠાથી કામગીરી કરતી નથી તેથી મોરબીની સ્થિતિ ખરાબ થતી જાય છે પરંતુ હકીકત તો એ છે કે પોલીસ સક્રિય છે તેથી જ આવા ડ્રગ્સ પકડાઈ રહ્યા છે પોલીસ ભગવાન નથી પોલીસ પણ સોર્સના આધારે ગુનેગારોને સુધી પહોંચી હોય છે તો વિચારો કેટલા એવા સજ્જન છે કે જેમણે ગુનાહિત બાબતોની જાણ પોલીસને કરી?
જ્યારે દોષના ટોપલાની વાત આવે ત્યારે સીધું નિશાન પોલીસ જ બને છે જ્યારે હકીકતમાં તો મોરબીના બુદ્ધિજીવીઓ ખરાબ થતી સ્થિતિ માટે વધુ જવાબદાર છે ડ્રગ્સ જેવી વસ્તુ પોતાના વિસ્તારમાં વેચાય તેવું કોઈ પણ પોલીસ અધિકારી ક્યારેય ઈચ્છે નહીં તેવું હું એક પત્રકાર તરીકે ના મારા અનુભવ પરથી ચોક્કસથી કહી શકુ છું અને છતાં પણ જો ડ્રગ્સ વેચાતું હોય તો તેના માટે જવાબદાર કોણ ? આ સવાલનો જવાબ મેળવવા સૌએ વિચારવું એ સમયની જરૂરિયાત છે
મોરબીના છેવાડાના વિસ્તારોમાં સાંજ પડે ને લબર મુછીયા વાહનો લઈને પહોંચે છે ત્યાં મંડળી જમાવીને બેસે છે સિગારેટના ધુમાડા ઉડાડે છે તો ઘણા તો તેનાથી પણ આગળ વધી ગયા છે પણ શું આવા યુવાનોને તેમના ઘરેથી ક્યારે પૂછવામાં નથી આવતું કે તેઓ કામ વિના બહાર ક્યાં જાય છે ? શું કરે છે? આવા સવાલો મનમાં ચોક્કસ જન્મે છે કારણકે આ સુખી સંપન્ન મોરબીનું યુવા કઈ દિશામાં જઈ રહ્યું છે તે યુવાનોના પરિવારજનો જ નહીં વિચારે તો કોણ વિચારશે મોરબીના બુદ્ધિજીવીઓને તો પોતાની અંગત મહત્વકાંક્ષાઓ છે અને તેથી તેમને તો પોતાના માટે પહેલા વિચારવાનું છે તેથી પોતાના સંતાનોનો વિશે વાલીઓ વિચારતા થાય એ સૌથી પહેલા જરૂરી છે
આજે યુવાનોના આદર્શ જેને દુનિયાએ સર્વોચ્ચ સન્માન આપ્યા છે તેવા વ્યક્તિઓ નથી પરંતુ ફિલ્મી હિરો થી લઈને ડોન ની છાપ ધરાવતા ગુનેગારોએ છે અને રોફ જમાવવાને આજના યુવાનો હિંમતવાન હોવાનું સ્ટેટ્સ સમજે છે યુવાનોની ખરાબ થતી માનસિકતા ક્યારેય પોલીસથી સુધારી નહીં શકાય તેના માટે તો બુદ્ધિજીવીઓ શિક્ષણવિદો અને સામાજિક આગેવાનોના સહિયારા પ્રયાસો જ કામ લાગશે બાકી આવનારા સમય વધુ વિકટ આવશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી
પરંતુ નવાઈની વાત તો એ છે કે બુદ્ધિજીવીઓએ પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા મથી રહ્યા છે તો શિક્ષણવિદો માત્ર આર્થિક ઉપાર્જન પાછળ ઘેલા થયા છે અને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો બનવા થનગની બની રહ્યા છે સૌથી મોટી જેની જવાબદારી છે તેવા યુવાનોના માતા-પિતા ઘર માટે ધન કમાવામાં વ્યસ્ત છે પરંતુ જેમના માટે તેઓ ધન ભેગું કરી રહ્યા છે તે ધન વિવેક બુદ્ધિ, મર્યાદા અને સંસ્કાર વિના ખોટા માર્ગે જ વપરાશે એક દિવસ પોતાનું જ સંતાન પોતાના જ પરિવારના પતનનું કારણ બનશે તે કોઈને સમજાતું નથી તે ખરેખર ખૂબ મોટી ચિંતા નો વિષય છે
જાણું જ છું આ લેખ વાંચ્યા પછી ઘણા લોકો મને ફોન કરીને બિરદાવશે ઘણાને મરચા લાગશે પરંતુ આજે પ્રસિદ્ધ થયેલા આ લેખ કાલે ભુલાઈ જશે અનેક વર્ષોથી બસ આવું જ થતું રહ્યું છે
તમામ મોરબી વાસીઓને મારી વિનંતી છે કે આવનારી પેઢીને બચાવવા અને ભવિષ્યને સુદ્રઢ બનાવવા માટે ગંભીર થાઓ અન્યથા આગામી સમયમાં આવી રહેલા અકલ્પનીય નુકસાન માટે માનસિક રીતે તૈયાર થાઓ,
જય હિન્દ

