સૌની યોજના અંતર્ગત મોરબી જિલ્લાના વિવિધ ડેમમાં સિંચાઇની સુવિધા મળવા લાગી છે જેના કારણે ધીમે ધીમે ખેડૂતો એક વર્ષમાં એક કરતા વધુ પાક લેવા તરફ વળ્યા છે.મોરબીનો મચ્છુ 2 ડેમ સૌની યોજનાનો મધર ડેમ હોવાથી દર વર્ષે સુરેનદ્રનગરના ઢાંકી પંપીંગ સ્ટેશનથી મોટા પ્રમાણ પાણી છોડવામાં આવે છે અને તેના કારણે હળવદ તાલુકાના અને મોરબી તાલુકાના કેનાલમાં કમાંન્ડ એરિયામાં આવતા ખેડૂતો ઉનાળુ વાવેતર કરી રહ્યા છે.
ચાલુ વર્ષે વાતાવરણમાં અવાર નવાર બદલાવ આવી રહ્યા છે.ગયા મહિનામાં કમોસમી વરસાદ વરસી પડતા ખેડૂતોનો તૈયાર શિયાળુ પાક નિષ્ફળ જતા નુકશાન સહન કરવું પડ્યું હતું.શિયાળુ સીઝન પૂરી થઇ છે.અને મોટા ભાગના ખેતરમાંથી રવિ પાક કાપણી થઈ ગઈ છે ત્યારે કેનાલ ની સગવડતા ધરાવતા તાં હવે ખેડૂતો ઉનાળુ વાવેતર તરફ વળ્યા છે. અલગ અલગ તાલુકા વિસ્તારમાં ઉનાળુ વાવેતર થવા લાગ્યું છે. 4 એપ્રિલ સુધીમાં મોરબી જીલ્લામાં 24,200 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. આ વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થઇ ગયું છે. ગત વર્ષે 4 એપ્રિલ સુધીમાં મોરબી જિલ્લામાં 10,400 હેકટર જ વાવેતર થયું હતું. આ વર્ષે ખેડૂતોએ એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં 2900 હેક્ટરમાં સૌથી વધુ તલનું વાવેતર કર્યું હતું.આ વર્ષે તેમાં 4 ગણું તલની વાવણી વધીને 13,200 હેકટર થયું છે. હજુ ઉનાળુ વાવેતર ચાલી રહ્યુ છે.અન્ય પાકની સ્થિતિ જોઈએ તો 2500 હેક્ટરમાં બાજરી,500 હેક્ટરમાં મગફળી, 6600 હેક્ટરમાં ઘાસચારો,1200 હેક્ટરમાં ગુવારનું તેમજ 300 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. ગત વર્ષ કરતાં આ વખતે કઠોળ પાકનું વાવેતર થયું નથી ગત વર્ષના અને આગામી દિવસોમાં આ વાવેતર વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

