મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલ સોખડા નજીક આવેલી ફાસ્ટેન લેમીનેટ ફેકટરીમાં લેમીનેટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ફીનોલ નામનું કેમિકલ હાઇવે ઉપરથી પસાર થતા ટેન્કરમાંથી ચોરી કરવામાં આવતી હોય આં બાતમીને આધારે એલસીબી ની ટીમે ફાસ્ટેન લેમીનેટ ફેકટરીમાં મોડીરાત્રે દરોડો પાડ્યો હતો અને જીજે12 BW 7751 નંબરનાં ટેન્કર ચાલક રાજેશભાઇ રામજીભાઈ ડવ, અને ક્લીનર અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાને ટેન્કરના સિલ તોડી લોખંડના બેરલમાં ફીનોલ કેમિકલ ચોરી કરી ફાસ્ટેન લેમીનેટ ફેક્ટરીની ટેન્કમાં ઠાલવતા ઝડપી લીધા હતા. આ કામગીરી દરમિયાન કેમિકલ ચોરીના કૌભાંડમાં સંડોવાયેલ નાગડાવાસનો લક્ષ્મણભાઇ નારણભાઇ રાઠોડ પોતાની જીજે – 36 – AC – 7775 નંબરની કાર સ્થળ પર મૂકી રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.
આ ફીનોલ કેમિકલ ચોરી કરી ફેકટરીમાં ઉપયોગ કરવા મામલે મોરબી એલસીબી ટીમે ફાસ્ટેન લેમીનેટ ફેકટરીના જ્યેન્દ્રભાઈ રામજીભાઈ આદ્રોજા, રહે.મોરબી, કેમિકલ ટેન્કરને હાઇવે ઉપરથી ફેકટરી સુધી લાવનાર અને પોલીસને જોઈ નાસી જનાર નાગડાવાસ ગામના લક્ષ્મણભાઇ નારણભાઇ રાઠોડ નામના બન્ને આરોપીઓને ફરાર દર્શાવી કેમિકલ ભરેલા બેરલ, ટેન્કર, મોબાઈલ ફોન, કેમિકલ વેચાણના રોકડા રૂપિયા 12 હજાર રોકડા, કિયા કાર તેમજ લેમીનેટ ફેક્ટરીની ફીનોલ ટેન્કને સિઝ કરી કુલ 41,70,220નો મુદ્દામાલ કબ્જે કરી ટેન્કરના ચાલક રાજેશભાઇ રામજીભાઈ ડવ અને ક્લીનર અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાને અટકાયતમાં લઈ ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ 407, 411 અને 114 મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

