ગુજરાતના હડપ્પાનું ધોળાવીરા, ચાંપાનેર, ઐતિહાસિક શહેર અમદાવાદ અને પાટણની રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસનની વિવિધતાઓથી ભરેલું ટૂરિઝમ ફ્રેન્ડલી રાજ્ય છે. પ્રવાસનના વિકાસ માટે રાજ્યમાં ગાંધી સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને વિવેકાનંદ સર્કિટ પણ વિકસિત કરવામાં આવી રહી છે.
આ તકે મુખ્યમંત્રીએ ગુજરાતના અતિથિ બનવા બદલ જી-20 દેશોના પ્રતિનિધિઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.આ બેઠકમાં કેબિનેટમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, જી-૨૦ની અધ્યક્ષતા સર્વગ્રાહી, સર્વ સમાવેશક અને સમૃદ્ધ ભારતના નિર્માણ તરફની યાત્રાને વધુ વેગવાન બનાવનાર બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતની સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાઓ, વૈશ્વિક સ્તરના પ્રવાસન આકર્ષણો, ઈકો ટૂરિઝમ, ગ્રીન ટૂરિઝમ અને એગ્રી ટૂરિઝમ પ્રવાસીઓને વિશિષ્ટ અનુભવ પૂરો પાડે છે.
કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડીએ પ્રવાસનને દેશના ગ્રોથ એન્જિનનો મહત્ત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં ૬.૯ મિલિયન પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતમાં પ્રવાસનની અનેક વિવિધતાઓ છે ત્યારે દેશનો પ્રવાસન હબ તરીકે યોગ્ય દિશામાં વિકાસ થઈ રહ્યો છે. ટકાઉ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રવાસન એક મહત્ત્વનું સાધન છે.
આ બેઠકમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યસચિવ રાજકુમાર, પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંઘ, અધિક સચિવ રાકેશકુમાર વર્મા, નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર પ્રવાસન તેમજ અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જી-20 દેશોના વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

