Thursday, November 30, 2023
HomeGujaratCentral Gujaratવડોદરા: 150થી વધારે જરૂરિયાતમંદ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનો શંખ ફૂંકતી સંસ્થા ‘દિવ્ય...

વડોદરા: 150થી વધારે જરૂરિયાતમંદ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનો શંખ ફૂંકતી સંસ્થા ‘દિવ્ય રોશની’…

Advertisement
Advertisement

આપણો એકપણ દિવસ એવો નહીં હોય કે સાંજ સુધીમાં રસ્તે ભટકતા કોઈ બાળકો આપણે નજરે ન ચડ્યા હોય. રોજબરોજની જિંદગીમાં આપણે આવા બાળકોને જોઈએ તો છીએ પરંતુ એમના માટે ક્યારેય કંઈ કરવાનો વિચાર આવ્યો છે ખરો? આ બાળકોનું ભવિષ્ય શું? આવા બાળકોના માતા-પિતા શું કરતા હશે અને કેવી રીતે એમને રાખતા હશે? આ બાળકોને ત્રણેય ટાઈમ જમવાનું પણ મળતું હશે કે કેમ? આવા અનેક સવાલો આપણને ક્યારેક થતા હશે તો ક્યારેક નહીં પણ થતા હોય. પરંતુ વડોદરામાં એક એવી સંસ્થા છે કે જેમને આવા સવાલો થયા અને એમના જવાબો અને સમાધાન પણ તેમણે મેળવ્યું. આ સંસ્થાનું નામ એટલે કે દિવ્ય રોશની ફાઉન્ડેશન. બાળકોને રોજ જમાડવા, એમને ભણાવવા, એમનું સુચારુ જીવન અને ભવિષ્યનો ખ્યાલ રાખવા માટે ખરેખર કાબિલ-એ-દાદ કામ કરતી આ સંસ્થા વિશે આવો જાણીએ વિગતવાર…

મકરપુરા જીઆઈડીસી વડોદરા પાસેથી તમે રસ્તા પર પસાર થાઓ તો તમે જોતા હશો કે 15-17 લોકો કામ કરી રહ્યા છે, 150થી વધારે બાળકો શાંતિથી બેસીને ભણી રહ્યા છે અને એક શાળા જેવો માહોલ તમને ત્યાં અનુભવાશે. બસ આ જ કામ છે દિવ્ય રોશનીનું. છેલ્લા 9 વર્ષથી દિવ્ય રોશની સંસ્થા 150થી વધારે એવા બાળકોને ભણાવવાનું અને જમાડવાનું કામ કરે છે કે જેઓ ખરેખર જરૂરિયાત ધરાવે છે. કોઈ અનાથ છે, કોઈ નિરાધાર છે, કોઈના માતા-પિતા પાસે ધંધો નથી, કોઈને ભણવું છે પણ ભણવાના પૈસા નથી…. આવા તમામ બાળકોને ભણાવવાનું અને સવાર સાંજ જમાડવાનું કામ આ સંસ્થા કરે છે. હાલમાં સંસ્થાને લોકોનો પણ થોડો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. એમના ગૃપમાં કામ કરતાં 30 જેટલા લોકો પણ કોઈ જ જાતનું આર્થિક વેતન લીધા વગર કામ કરે છે. પરંતુ આ ગૃપની શરૂઆત એટલી સહેલી નહોતી.

નકુમ કિંજલબેન દિવ્ય રોશનીની ગાથા વિશે વાત કરતાં કહે છે કે 9 વર્ષ પહેલા મારા માતા કેશુબેન નકુમ એકલા દ્વારા 2013માં આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. ત્યારે માત્ર 5 બાળકો આ સંસ્થામાં ભણવા આવતા હતા. ત્યારે સમય એવો હતો કે બાળકોના માતા પિતા અમને ગાળો આપતા અને અમારી પાસે મોકલતા પણ ડરતા હતા. પછી ધીરે ધીરે અમે કઈ રીતે આ બાળકોના માતા-પિતાને સમજાવવા એનો પ્રયાસ કરવા લાગ્યા. એમના માતા-પિતાને બોલાવીને સમજાવતા કે તમે મજુરી કરો છો પરંતુ તમારા બાળકોનું ભવિષ્ય શું છે. ધારો કે મજૂરી ન મળી તો રોટલા રળવાનું કામ ક્યાથી કરશો અને તમારા બાળકો પછી ક્યાં જશે. અલગ અલગ ઉદાહરણો આપીને પણ સમજાવતા. પછી સમયે સમયે આવા લોકોમાં સમજ આવવા લાગી અને બાળકો અમારી પાસે મોલકતા થયા. આજે અમારી પાસે દરરોજ 150થી વધારે બાળકો ભણવા આવે છે અને સરસ રીતે તેઓ શીખી પણ રહ્યા છે. અમારા 30 લોકોનું ગૃપ સતત આ બાળકોને કઈ રીતે સારું જીવન મળે એ જ વિચાર કરીએ છીએ અને એ જ દિશામાં કામ કરતાં રહીએ છીએ.

હાલમાં પણ મહિનામાં 2 વખત વાલીઓની મિટિંગ કરવામાં આવે છે. તેમનામાં બધી રીતે કઈ રીતે અવેરનેસ આવે એવા ઉદાહરણો આપવામાં આવે છે. હવે એટલો ફરક પડ્યો છે કે જે માતા પિતા અમને જે તે સમયે ગાળો આપતા એ હવે પગે લાગે છે અને કહે છે કે અમારા બાળકો માટે જે છે એ તમે જ છો. 150થી વધારે બાળકોને હાલમાં અહીં જમવાનું પણ આપવામાં આવે છે. એમાં પણ કિંજલબેન જણાવે છે કે અમે ઘરે જાતેથી જમવાનું બનાવીને લાવીએ અને બાળકોને 2 ટાઈમ જમાડીએ.એ પણ એકદમ પોષ્ટિક આહાર અને પેટ ભરીને. જો બહારથી લાવીએ તો એમા શંકા રહે કે કદાચ કોઈ બાળક બિમાર પડી જાય તો.. પરંતુ એવા પ્રશ્નો ન રહે એ માટે અમે ઘરેથી અમારી નજર હેઠળ જ બધા બાળકનું જમવાનું બનાવીએ. ભણવાનું અને જમવાનું તો ઠીક, પરંતુ સાથે સાથે એમના કપડાં અને જ્યારે બિમાર પડે ત્યારે તેમનો મેડિકલ, ભણાવવાનું, કપડાં વગેરે પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.

શરૂઆતના દિવસોની વાત કરતાં કિંજલબેન જણાવે છે કે અમે રસ્તા પર ખુલ્લામાં જ ભણાવીએ અને પહેલાં પણ ત્યાં જ ભણાવતા. કોઈ મકાન કે શાળાની સુવિધા નથી. પહેલા લોકો અમને સપોર્ટ ન કરતાં, વિશ્વાન પણ ન કરતાં કે કઈ રીતે દાન આપવું. પરંતુ અમે સતત 9 વર્ષથી એક જ જગ્યા પર એક જ કામ કરી રહ્યા છે એટલે લોકો પણ વિશ્વાસ કરતાં થયા છે. લોકો અમારા કામની વિજિટ કરવા આવે અને પછી કામ જુએ. ફુલ નહીં તો ફુલની પાંખડીથી અમારા આ કામને મદદ કરતા આવ્યા છે. પહેલા અમે કોઈ સોશિયલ મીડિયા પર નહોતા કે અમારું ફાઉન્ડેશન પણ રજીસ્ટર નહોતું. પરંતુ લોકો જ્યારે દાન કરે ત્યારે દાનની રિસિપ્ટ માગવા લાગ્યા ત્યારે અમને વિચાર આવ્યો કે હવે અમારે ખરેખર આ કામ કરવું પડશે. હાલમાં જ કોરોના પછી અને અમારું ટ્રસ્ટ પણ રિજસ્ટર કરાવી નાખ્યું અને હવે સરકારમાન્ય રીતે અમારું કામ આગળ ધપી રહ્યું છે. લોકો પણ દાન આપે છે અને રિસિપ્ટ લઈને પોતે કંઈક કર્યાનો રાજીપો અનુભવે છે. સોમથી શનિ સુધી રોજ અમે સવાર સાંજ ભણાવીએ છીએ અને રવિવારે રજા રાખવામાં આવે છે.

આ ગૃપ રોજ બાળકોને ભણાવવાનું કામ તો કરે જ છે, પરંતુ સાથે સાથે અન્ય સેવાના કામો પણ કરે છે. જેમ કે કોરોના સમયની વાત કરવામાં આવે તો કોરોના વખતે 1000 લોકોને ઘરે જમવાનું આપવામાં આવતું. સાથે જ અન્ય સેવાની જરૂર પડે તો એ પણ થાય એટલી કરી આપવામાં આવતી. કિંજલબેનના મમ્મી કેશુબેન નકુમ પોતે પણ નર્સ છે અને છેલ્લા 20 વર્ષથી તે ઘરે જ મહિલાઓની નોર્મલ ડિલિવરી કરી રહ્યા છે. જ્યારે દવાખાનામાં કોઈ ડોક્ટર મહિલાઓને કહે કે તમારે સિઝેરીયન કરવું પડશે ત્યારે મહિલાઓ ત્યાંથી રજા લઈને કેશુબેન પાસે આવે અને નોર્મલ ડિલિવરી કરે છે. સંજોગ તો જુઓ કે હાલમાં દિવ્ય રોશનીમાં ભણતા 40 ટકા બાળકો પણ કેશુબેનના હાથે જ ડિલિવરી થયેલા છે. બીજી એક સરસ વાત કે 7 વર્ષની કિંજલ બેનના ઘરે એવી 3 છોકરી અને 1 છોકરો રહી રહ્યા છે કે જેમના માતા નથી. પિતા છે પણ એ દારુ પીને એમને ગાળો ભાંડે છે. છેલ્લા 7 વર્ષથી કિંજલબેનના ઘરના સભ્યોની જેમ જ આ 4 બાળકો રહી રહ્યા છે અને હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે તેઓ એમના ઘરે પણ જવાની ના પાડે. હોસ્ટેલમાં મૂકવાની વાત કરીએ તો પણ ના પાડે છે. તમે વિચારો કે કેવી આત્મિયતા બંધાઈ ગઈ હશે કે હવે એમનું ઘર પણ આ બાળકોને કિંજલબેનના ઘર કરતાં ફિક્કુ લાગવા લાગ્યું છે.

કિંજલબેન જણાવે છે કે હવે અમે સોશિયલ મીડિયા પર પણ છીએ. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર દિવ્ય રોશની સ્ટ્રીટ સ્કુલ નામની અમે એકાઉન્ટ ચલાવીએ છીએ. જેમ જેમ લોકો સુધી કામ પહોંચ્યું એમ અલગ અલગ રીતે અમને સપોર્ટ મળી રહ્યો છે. કોઈ એમનો જન્મદિવસ, એનિવર્સરી કે અન્ય કોઈ પ્રસંગ ઉજવવા આવતા રહે છે. બાળકોને જમાડે છે અને અમારા બાળકોને પણ કંઈક નવો અનુભવ થાય છે. ઘણા લોકો પોતાની શક્તિ પ્રમાણે આર્થિક દાન પણ કરે છે. હાલમાં અમારી પાસે જેટલા પણ બાળકો છે એ બધા જ બાળકો સરકારી શાળામાં એનરોલ છે જ. પરંતુ ધોરણ 8 પછી આવા બાળકોનું શું, કારણ કે માતા પિતાની પરિસ્થિતિ એવી નથી કે તેઓ પ્રાઈવેટ શાળાઓનો ખર્ચો ઉઠાવે છે. તો જે હોંશિયાર બાળકો છે એમને અમે પ્રાઈવેટ શાળામાં મોકલીએ અને ખર્ચો પણ ઉપાડીએ છીએ. જો હાલની પરિસ્થિતિની જ વાત કરીએ તો 10 છોકરાઓ હાલમાં પ્રાઈવેટ છે અને ડોનરો તેમની ફી ભરી રહ્યાં છે. ફી ભરવાનું કામ અમે માત્ર વડોદરા પુરતુ જ નથી રાખ્યું પણ રાજકોટ, વાંકાનેર, જેમ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ફી ભરાવી આપીએ છીએ. એક બાળકની જ વાત કરતાં કિંજલબેન જણાવે છે કે એક બાળક 5માં ધોરણથી છે. હવે તે એન્જીનિયરીંગ કરે ત્યાં સુધી અમે પહોંચાડ્યો છે. કુલ આંકડો કહુ તો અમે ત્યાર સુધીમાં 500થી વધારે બાળકો ભણાવી ચૂક્યા છે. 40 ટકા બાળકો એવા પણ છે કે જે માયગ્રેશનના કારણે અડધેથી જતાં પણ રહે છે. પરંતુ એવુ પણ બને કે 6 મહિના પછી આવીને ફરીથી શાળામાં ભણવા પણ લાગે. આ સાથે જ જરૂર હોય ત્યાં કિંજલબેનનું ગૃપ લોકોની અંતિમ ક્રિયા પણ કરાવી આપે છે.

દિવ્ય રોશનીના બાળકો ખાલી ભણવાનું જ કામ નથી કરતા. જો કોઈ સ્કિલ હોય તો એમને પણ આ ગૃપ સપોર્ટ કરી રહ્યું છે. એમનાં કોઈ આર્ટ, એક્ટિંગ કે ડાન્સની કળા હોય તો એમને આગળ વધારવા માટે પણ દિવ્ય રોશની મહેનત કરે છે. દિવાળીમાં છોકરાએ દિવા બનાવે છે. અત્યારની જ વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ મહિનાથી મહેનત કરીને બાળકોએ સરસ દિવડા બનાવ્યા છે અને લોકો ખરીદી પણ રહ્યા છે. સાથે જ ઘણા બાળકો ફોટોફ્રેમ, પ્રોટેટ વગેરે કળામાં પણ પારંગત છે. મોટી વાત તો એ છે કે કોઈપણ જાતના ક્લાસિસ વગર જ આ બાળકો જાત મહેનત જિંદાબાદ આ બધી કળામાં હોંશિયાર બન્યા છે. તેમની કળા જોઈને ઘણા દિગ્ગજો પણ અવાચક રહી જાય એવું છે.

કિંજલબેન પોતાની ઈચ્છા વ્યક્ત કરતા જણાવે છે કે મારે માત્ર વડોદરા પુરતુ જ મારું કામ સિમિત નથી રાખવું. અત્યારે માહોલ એવો છે કે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ બનતા જાય છે. ગુજરાતના તમામ શહેરોમાં આવા બાળકો છે કે જેને ભણાવવાની ખુબ જરૂર છે, તો મારે ભવિષ્યમાં બધા જ શહેરોમાં આવું કરવું છે. પરંતુ એકલું માણસ પણ ક્યારેક આર્થિક રીતે થાકી જતું હોય છે. હું પોતે પણ એક મીડલ ક્લાસમાંથી જ આવું છું. શક્તિની રીતે દિવસ રાત હું એક કરી દઈશ પરંતુ આર્થિક રીતે મારે સપોર્ટની જરૂર છે. જો કોઈ એવા દાતા કે સપોર્ટ કરનારા મળે તો ગુજરાતના દરેક શહેરોમાં આવી એક દિવ્ય રોશની શાળા ઉભી કરવી છે અને ગરીબો ઉપર કેમ આવે એવા મારે પ્રયાસો કરવા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW