મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવી સેવા દાયિત્વ સંભાળી રહેલી તેમની નવી સરકારના કાર્યારંભે જ અમદાવાદ મહાનગર અને ઔડા વિસ્તારને ૪૦.૩૬ કરોડ રૂપિયાના મહત્વપૂર્ણ લોકહિત કાર્યની વિકાસ ભેટ આપી છે..અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ‘ઔડા’ દ્વારા એસ.પી. રિંગરોડ ઉપર વૈષ્ણોદેવી જંકશન પર નવનિર્મિત અંડર પાસનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું..
નવી સરકારનો પ્રથમ જાહેર કાર્યક્રમ સરદાર ધામ પરિસરમાં સરદાર પ્રતિમાના ચરણોમાં યોજાયો છે તેનું ગૌરવ સ્મરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતું.આ સરકાર પ્રજાના પ્રશ્નોને પ્રાયોરિટી આપી તેના નિવારણ માટે સદૈવ કર્તવ્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા દર્શાવી હતી..
આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક બની, નેક બની જે વિકાસ કાર્યો આપણે કર્યા છે, તેના પરિણામો તાજેતરની ચૂંટણીમાં જોવા મળ્યા છે. આટલો વ્યાપક જનાધાર મળતા સરકારની જવાબદારી વધી જાય છે, ગુજરાતની જનતાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવા અને આ વિશ્વાસને વધુ મજબૂત કરવાની શરૂઆત આજથી જ કરી દીધી છે.
આ પ્રસંગે ઔડાના ચેરમેન એમ.થેન્નારસને સ્વાગત પ્રવચનમાં આ નવનિર્મિત અંડરપાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, કુલ રૂ. ૪૦.૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ અંડરપાસની લંબાઈ ૭૨૦ મીટર અને પહોળાઇ ૨૩ મીટર (૬ લેન) (૧૧×૨ મીટર કેરેજ વે) છે. અંડરપાસની આર.સી.સી. દીવાલ ૫૩૬ મીટર લંબાઈ (૨૬૮ મીટર + ૨૬૮ મીટર) ધરાવે છે જ્યારે આર.સી.સી. બોક્સની લંબાઈ ૭૦ મીટર છે.

