રાજકોટમાં મગજની બીમારીથી પીડિત ૮૪ વર્ષીય વૃધ્ધાને એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડાયા..
૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલથી દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા
રાજકોટમાં ૧૦૮ ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સ સેવા દ્વારા વધુ એક દર્દીનો જીવ બચાવવા માટે રાજકોટથી મુંબઈ વધુ સારવાર અર્થે મોકલવામાં સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી.
૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં ૮૪ વર્ષીય નીતાબેન મહેયા સારવાર હેઠળ હતા. દર્દીને મગજમાં ચેતાતંતુના ઈન્ફેકશનના કારણે ભાન ભૂલી ગયેલા હતા, જેના લીધે દર્દી બેભાન થઈ ગયા હતા અને આંચકી – ખેંચ ઉપડી ગઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે તત્કાલ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી. દર્દીનો જીવ બચાવવા એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવાનું નક્કી થયું હતું.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૧૦૮ ને આ અંગે માહિતી મળતા ઈ.આર.સી.પી ડો. મહેતાના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવના ડોડીયા તેમજ પાયલોટ વિશ્વજીતભાઈએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલ થી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે, આ પ્રક્રિયામાં ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમે મહત્વની ભૂમિકા નિભાવી હતી. ૧૦૮ ટીમની આ સેવા બદલ દર્દીના સ્વજનોએ રાજકોટની ૧૦૮ ઇમરજન્સી સેવા તેમજ કોલ સેન્ટરના અધિકારીઓનો આભાર માન્યો હતો સાથે સાથે ૧૦૮ ઈમરજન્સી સેવાની ઉત્કૃષ્ટ કામગીરીને પણ બિરદાવી હતી.

