લંડનના ટાવર બ્રીજની ડીઝાઇન પ્રેરિત અને મોરબી ઐતિહાસિક ધરોહર અને ન માત્ર મોરબી પરંતુ દેશ- વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર તેમજ સ્થાપત્ય કલાનું બેનમુન ઉદાહરણ એવો ઝૂલતોપુલ છેલ્લા લાંબા સમયથી જર્જરિત હતો. આ પુલને બંધ કરાયા બાદ મોરબીની જાણીતી ઓરેવા કંપનીએ ઝૂલતા પુલના રીનોવેશન માટે ફરી એકવાર જવાબદારી ઉઠાવી અને માત્ર 6 મહિનાના જ ગાળામાં હુ જ ઝડપથી ઝૂલતાપુલને રીનોવેટ કરી દીધો છે. હવે આ ઝૂલતાપૂલ સંપુર્ણપણે તૈયાર થઈ ગયો હોવાથી ઓરવા કંપનીએ ઝૂલતા પુલને ફરી પ્રજા માટે ખુલ્લો મુકવાની જાહેરાત કરતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.આજે પ્રતીકાત્મક રીતે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ભાલોડીયા દ્વારા રીબીન કાપી શરુ કર્યો છે અને આગામી બેસતા વર્ષથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે
મોરબીના ઝૂલતાપૂલને વર્ષ 2001ના ભૂકંપમાં ભારે નુકશાન થયું હોવાથી તે સમયે ક્ષતિગ્રસ્ત ઝૂલતાપૂલને જાણીતી ઓરેવા કંપનીએ નગરપાલિકા પાસેથી પોતાના હસ્તક સંચાલન લઈને તે વખતે કરોડોના ખર્ચે ઝૂલતાપૂલને રીનોવેટ કર્યો હતો. આ રાજવીકાળ સમયનો આ ઝૂલતાપૂલ માત્ર મોરબી જ નહીં દેશ વિદેશના લોકો માટે પણ ભારે આકર્ષણનું કેન્દ્ર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકો ઝૂલતાપૂલ ઉપર હરવા ફરવાનો આનંદ માણે છે. દરમિયાન કાળક્રમે છેલ્લા એક વર્ષમાં આ પુલ ફરી ખંડિત થઈ ગયો હતો અને હરવા ફરવા માટે જોખમી સાબિત થાય હોવાથી ઓરેવા કંપનીએ આ પુલ બંધ કરીને તંત્ર સમક્ષ રીનોવેશનની દરખાસ્ત કરી હતી અને થોડા સમય અગાઉ જિલ્લા કલેકટરની દરમિયાનગીરીથી નગરપાલિકા સત્તાધીશો સાથે વાટાઘાટ થયા બાદ અંતે ઓરેવા કંપનીને જ ઝૂલતાપુલનું રીનોવેશનનું કામ સોંપવામાં આવ્યું હતું અને ઓરેવા કંપનીએ આ જવાબદારી સુપરે નિભાવી હતી. ઝૂલતા પુલનું અત્યાધુનિક સાધનો સાથે નિવડેલા કારીગરો સહિતની તજજ્ઞ ટીમ દ્વારા ખૂબ જ કાળજી પૂર્વક ઝૂલતાપૂલને ફરી હતો એવો જ મૂળ સ્વરૂપમાં કરી દેવામાં આવ્યો છે. એટલે હવે આ પુલ લોકોને હરવા ફરવા માટે એકદમ તૈયાર હોવાથી ઓરેવા કંપનીએ બેસતા વર્ષના દિવસે ઝૂલતાપૂલને પ્રજા માટે ખુલ્લો મુકવાની જાહેરાત કરી છે

