ટંકારાની લજાઈ ચોકડી પાસે નાણાની ઉઘરાણી મુદે ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય સહિત ત્રણ શખ્સએ એક સંપ કરી પિતા પુત્ર સાથે બખેડો કર્યો હતો અને કારમા ધોકા મારી રોફ જમાવ્યો હતો. કારમાં કુહાડીના આડેધડ પ્રહારથી કારના કાચના કુરચા બોલી ગયા હતા. આખો મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના લજાઈ ગામ નજીક ચોકડી પાસે ત્રણ ઈસમોએ એક સંપ કરી પિતા પુત્રને નગદ નારાયણ ની ઉઘરાણી મુદ્દે ડખો કરી ભોગ બનેલા પિતા પુત્રની કારમા ધોકા ફટકારી, કાચ ફોડી નાંખીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની રાવ ભોગ બનેલા શખ્સે ફરિયાદ નોંધાવી હતી. હુમલો કરનાર પૈકીના મુખ્ય શખ્સ ટંકારા તાલુકા પંચાયતના સભ્ય હોવાનુ જાણવા મળ્યું છે.
ટંકારા તાલુકાના નજીકના ગામડાના પ્રકાશભાઈ અને તેના પિતા રમેશભાઈ કુંડારીયા પોતાની માલિકીની કાર નં. જીજે-૩૬ એલ ૦૩૩૧ મા મોરબી હાઈવે પર આવેલા લજાઈ ચોકડી પાસે કોઈ કામ સબબ પહોંચતા જ લજાઈના પંકજ દયારામભાઈ મસોત અન્ય બે શખ્સોને લઈ ઓચિંતા ધસી આવ્યો હતો અને નાણાંની લેણી રકમ મુદ્દે ડખો કરી બેફામ ગાળો દઈ તેમની કારમા કુહાડી અને ધોકા મારી કાચ ફોડી નાંખીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બબાલ કરી હતી.
બનાવ અંગે ભોગ બનેલા પિતા પુત્ર પૈકીના પુત્ર પ્રકાશે ટંકારા પોલીસમા ત્રણેય શખ્સ વિરૂધ્ધ એક સંપ કરી જાનથી મારી નાખવાની ધમકી અને કારના કાચ ફોડી નુકશાની કરવા અને ભય ફેલાવવા સબબ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ બખેડો કરનારા ત્રણ પૈકી પંકજ મસોત ટંકારા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય હોવાનુ અને તેઓને ફરિયાદી પાસે કોઈ ધંધાકીય લેણી રકમ લેવાની હતી એ ચૂકવવા ફરિયાદી ઠાગાઠૈયા કરતા હોય જેથી ગજગ્રાહ ડખામા પરિણમ્યો હોવાનુ જાણવા મળ્યું હતુ.

