છેલ્લા ઘણા સમયથી લોક સાહિત્યકારોને યેનકેન પ્રકારે ધમકીઓ આપવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. આ બધાની વચ્ચે તાજેતરમાં જ એક માથાકૂટને લઈને વિવાદમાં આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડને જાનથી મારી નાખવાની ધમકી મળતાં ચકચાર મચી જવા પામી છે. ધમકી મળતાંની સાથે જ દેવાયત ખવડ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર અને ડીસીપીને આ અંગેની ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોતાની ફરિયાદમાં દેવાયત ખવડે જણાવ્યું છે કે તેને સોશ્યલ મીડિયાના માધ્યમથી લંડનમાં રહેતાં જીત રોહિત મોડાસીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જો કે આ ધમકી તેણે શા માટે આપી તે સહિતના મુદ્દા હજુ સામે આવ્યા નથી. એકંદરે ફરિયાદ મળતાં પોલીસે સાયબર ક્રાઈમ મારફતે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દેવાયત ખવડ સામે અરજી કરવામાં આવી હતી જેના પર અત્યારે તપાસ ચાલી રહી છે. બીજી બાજુ દેવાયત ખવડ ‘રાણો રાણાની રીતે’ સહિતના વાક્યોથી ઘણા પ્રચલિત અને ખાસ કરીને યુવાનોમાં અલગ જ ક્રેઝ ધરાવતાં લોકસાહિત્યકાર છે.

