કોંગ્રેસ-અધ્યક્ષ ચૂંટણીના મતની ગણતરી આજે નવી દિલ્હીમાં 24 અકબર રોડ સ્થિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)ની ઓફિસમાં શરૂ થઈ ગઈ છે. સાજે 4 વાગ્યે પરિણામ આવવાની સંભાવના રહેલી છે.ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર આમને-સામને છે. ખડગેની જીત નક્કી લાગી રહી છે, કારણ કે તેમની પાસે ગાંધી પરિવારનું સમર્થન છે. ચૂંટણીમાં 9900 વોટર્સમાંથી 9500 લોકોએ વોટ આપ્યો. મતગણતરી સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
17 ઓક્ટોબરે વોટિંગ પછી તમામ બૂથ પરથી મતપેટીઓ AICCની ઓફિસે મગાવી લેવામાં આવી હતી. બુધવારે મતગણતરી શરૂ થતાં પહેલાં મતપત્રોને ભેગાં કરી દેવામાં આવશે, જેથી કયા ઉમેદવારને કયા રાજ્યમાં કેટલા વોટ મળ્યા છે એની ખબર ન પડે. આ પછી મતોનું વર્ગીકરણ કરવામાં આવશે, ત્યાર બાદ 50-50 મતો બનાવીને ગણતરી કરવામાં આવશે.
કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટી(CEA)એ ચૂંટણીમાં 36 મતદાન મથક પર 67 બૂથ બનાવ્યા હતા. સૌથી વધુ 6 બૂથ UPમાં હતાં. દર 200 પ્રતિનિધિ માટે એક બૂથ હતો. ભારત જોડો યાત્રામાં સામેલ રાહુલ ગાંધી સહિત 47 પ્રતિનિધિએ કર્ણાટકના બેલ્લારીમાં મત આપ્યો હતો. અહીં યાત્રાના કેમ્પમાં અલગ-અલગ બૂથ બનાવવામાં આવ્યાં હતાં.
કોંગ્રેસ-અધ્યક્ષપદ માટે છેલ્લી વખત 1998માં મતદાન થયું હતું. ત્યારે સોનિયા ગાંધી સામે જિતેન્દ્ર પ્રસાદ હતા. સોનિયા ગાંધીને 7,448 વોટ મળ્યા હતા, જ્યારે જિતેન્દ્ર પ્રસાદ 94 વોટ પર જ સમેટાઈ ગયા હતા.
આ ચૂંટણીમાં જે જીતશે એ કોંગ્રેસ-અધ્યક્ષ બનનારા 65મા નેતા હશે. ઘણા નેતા એક કરતાં વધારે વખત અધ્યક્ષ રહી ચૂક્યા છે. જો ખડગે જીતે છે તો તેઓ કોંગ્રેસ-અધ્યક્ષ બનનારા બીજા દલિત નેતા હશે. બાબુ જગજીવનરામ કોંગ્રેસ-અધ્યક્ષ બનનારા પહેલા દલિત નેતા હતા. આઝાદી પછીનાં 75 વર્ષમાં 42 વર્ષ પાર્ટીની કમાન ગાંધી પરિવાર પાસે હતી. એ જ સમયે 33 વર્ષ સુધી પાર્ટી-અધ્યક્ષની લગામ ગાંધી પરિવાર સિવાય અન્ય નેતાઓ પાસે રહી.


