મોરબી જિલ્લામાં ખનીજ ચોરીનું દૂષણ દિનપ્રતિદિન વધી રહી છે. ખાસ કરીને હળવદ વાંકાનેર અને ટંકારા પંથકમાં ખનીજ માફિયા બેફામ બની ગયા છે. નદી વિસ્તારમાં પથ્થર ચોરી, રેતી ચોરી કરતા હોય છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જમીનમાં માટીની આડેધડ ચોરી થઈ રહી છે. ગામડાના લોકો ખાણ ખનીજ વિભાગ હોય કે મામલતદાર ,ડીડીઓ ક્લેક્ટર ઠેર ઠેર રજૂઆત કરીકરીને થાકી ગયા છે પરંતુ અધિકારીઓના બહેરા કાન લોકોની સમસ્યા સાંભળવા જ તૈયાર ન હોય તેમ લાગે છે. ખાણ ખનીજ વિભાગ તો ખુદ ગ્રામજનોને જ ખનીજ ચોરી કરતા ટ્રક પકડવા અને બાદમાં તેઓને જાણ કરવાની સૂચના આપતા હોવાના ગ્રામજનો કરી રહ્યા છે. શું ખનીજ ચોરી અટકાવવાની જવાબદારી ગામડાના લોકોની છે તેઓ શું ખાલી એસી ઓફીસમાં બેસવા અને સરકારનો પગાર લેવા આવે છે તેવા આકરા સવાલ લોકો કરી રહ્યા છે.
ટંકારાના સજનપર જલેશ્વર વચ્ચેના રોડ પર ગામતડ જમીનમાં ખનીજ ચોર દ્વારા આડેધડ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. દિવસ રાત ઓવર લોડ દોડતા ટ્રકના કારણે રોડ રસ્તાની હાલત દયનીય બની છે.અવારનવાર રોડનું રીપેરીંગ કામ કરવામાં આવતું હોય છે પરંતુ ઓવરલોડ ટ્રક ના કારણે રસ્તા તુટી જતા હોય છે. જેનાં કારણે ગ્રામજનોને હાલાકી પડી છે. આ બાબતે અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે ગામના સરપંચ આગેવાનો તેમજ ગ્રામજનો ક્લેક્ટર કચેરી ખાતે દોડી ગયા હતા.કચેરીનો ઘેરાવ કરી ખનીજ ચોરી કરતા તત્વો,ખાણ ખનીજ વિભાગ વગેરે વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક તેમના ગામમાં ચેકિંગ માટે ટીમ મોકલવા અને અને જ્યાં સુધી ચોરી થઈ છે તેનો સર્વે કરાવાય તેમજ ખનીજ ચોરી કરતા તત્વોને પકડી તેમના વિરુધ્ધ ફરિયાદ નોંધાવા અને જેટલી રકમની ચોરી કરી છે તેની રોયલ્ટી અને દંડ ફટકારવામાં આવે તેવી માંગ થઇ રહી છે. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા ચીમકી આપતા જણાવ્યું હતું કે. જો વહેલી તકે ખનીજ ચોરી બંધ નહીં કરે તો જનતા રેડ પાડવાની ચીમકી આપવામાં આવશે.

