નવરાત્રી પૂર્ણ થતાંની સાથે હવે બજારમાં ધીમે ધીમે દિવાળીનો માહોલ જામી રહ્યો છે. લોકો હાલ જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા બજારમાં આવતા હોય છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહતા લોકો વહેલી સવારથી મોરબીની બજારમાં આવી પહોંચતા હોય છે આવા સમયે લોકો મોટી હોટેલમાં જમવાના બદલે નાની મોટી નાસ્તાની દુકાન આવી પહોંચતા હોય છે. આવા સમયે કેટલાક લેભાગુ વેપારીઓ હલકી ગુણવતાની ચીજ વસ્તુઓ વાપરી લોકોને પીરસતા હોય છે જેના કારણે દર્દીઓમાં ઝાળા ઉલટી કે અન્ય બીમારી થવાનો ભય રહે છે આવા સમયે વેપારી તકનો લાભ લઇ લોકોને બીમાર ન કરે તે માટે ફૂડ વિભાગ સમયાંતરે ઓચિતું ચેકિંગ હાથ ધરે તે જરૂરી છે. તાજેતરમાં નવરાત્રી પર્વ બાદ દશેરા નિમિતે મઅલગ અલગ સમયે મોરબી ફૂડ વિભાગની ટીમ દ્વારા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઈન્ચા. ઓફિસર એ એમ પટેલના માર્ગદર્શનમાં મોરબી શહેર ઉપરાંત હળવદ,વાંકાનેર ટંકારા સહિતના વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું.અને મોરબી શહેરની 20,ટંકારા ના 4 વાંકાનેરની 8 તેમજ હળવદની 8 મળી જિલ્લાની કુલ 40 દુકાનમાંથી જલેબી,ફાફડા, બેસન,તીખા તળેલ ગાંઠિયા તેમજ આ મીઠાઇ કે ફરસાણ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મટીરિયલના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સેમ્પલ કલેક્ટ કરી તપાસ અર્થે ગાંધીનગર ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેના પરિણામ પણ સામે આવશે ત્યારે જે પણ 40 સ્થળોથી સેમ્પલ લેવામાં આવ્યા હતા તે દુકાનદારોમાંથી જે પણ ભેળસેળ યુક્ત પદાર્થનો ઉપયોગ કરતા માલુમ પડશે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ખાતરી ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

