ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે (10 ઓક્ટોબર) સવારે 8:16 વાગ્યે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તેમની તબિયતમાં સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરની રાત્રે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની એક પેનલ સારવાર કરી રહી હતી.
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ થયો હતો. પાંચ ભાઈઓમાં મુલાયમ ત્રીજા નંબરે હતા. મુલાયમ સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત કુસ્તીથી કરી હતી. તેઓ વ્યવસાયે શિક્ષક હતા. થોડો સમય ઇન્ટર કોલેજમાં અભ્યાસ કર્યો. પિતા તેમને કુસ્તીબાજ બનાવવા માંગતા હતા. ત્યારબાદ પોતાના રાજકીય ગુરુ નાથુ સિંહને પ્રભાવિત કર્યા બાદ મુલાયમ સિંહ યાદવ જસવંતનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તેઓ 1982-1985 સુધી વિધાન પરિષદના સભ્ય હતા.

