મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ માટે તત્પર યંગ ઇન્ડિયા ગ્રુપે શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું જેમાં કેશવ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રાત્રે બાળકોને શહીદ ભગતસિંહની વેશભૂષા ધારણ કરાવી તેમના હસ્તે કેક કટીંગ કરાવ્યું હતું અને વંદે માતરમના નાદ સાથે શહીદ ભગતસિંહનો જન્મદિવસ ઉજવ્યો હતો તેમજ આજે રાત્રે રાસ ગરબે રમવા આવતા ખેલૈયાઓ અને લોકો પાસે અંગદાન તેમજ દેહદાન અને દેશહિતના કાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવી સંકલ્પ દિવસની ઉજવણી કરાશે.
નવરાત્રી મહોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપે તમામ સમાજના લોકો એકસાથે રાસ ગરબે રમી શકે તેવુ આયોજન કરી સર્વધર્મ સમભાવનો મેસેજ આપ્યો છે તેમજ મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે રાત્રે શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓને સાથે રાખી 12 વાગ્યા પછી બાળકોને શહીદ ભગતસિંહના ગેટઅપ ધારણ કરાવી આ બાળકોના હસ્તે કેંક કટીંગ કરાવી દીપ પ્રગટાવી ઉપસ્થિત લોકોએ વંદે માતરમ અને શહીદ ભગતસિંહ અમર રહોના નાદ સાથે શહીદ ભગતસિંહને વંદન કર્યા હતા તેમજ બુધવારે રાત્રે શહીદ ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં સંકલ્પ દિવસની ઉજવણી કરાશે.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ભારતમાતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા માટે નાનપણથી પ્રબળ દેશભાવના ધરાવતા ભગતસિંહે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. એમનો દેશને આઝાદ કરવાનો દ્રઢ સંકલ્પ હતો એના માટે તેઓ જાતનું બલિદાન દેતા પણ અચકાયા ન હતા. ત્યારે આપણે પણ એમના દેશસેવાના સંકલ્પને અનુસરીએ એના માટે ખાસ કરીને યુવાનોમાં દ્રઢ સંકલ્પ કેળવવાની જરૂર છે. આજે દેશમાં કેટલાય દર્દીઓના અંગો અકસ્માતે અન્ય કોઈ કારણોસર ખરાબ થઈ જવાથી મોતને ભેટે છે. મૃત્યુ બાદ અંગોનું વધુને વધુ દાન થાય તે માટે યુવાનોમાં જાગૃતિની જરૂર છે.જો ભગતસિંહ દેશ માટે મરી મીટવાની ભાવના ધરાવતા હોય તો આપણે તો હાલ અંગોનું દાન કરવા માટે સંકલ્પ લેવાનો છે. અને મૃત્યુ બાદ અંગોનું દાન કરવાનું છે. વધુમાં દેવેનભાઈએ ઉમેર્યું હતું કે, આજે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ ખૈલૈયા સહિતના તમામ લોકો પાસે દેહદાન અને અંગદાનના સંકલ્પ માટે પ્રતિજ્ઞાપત્ર તૈયાર કરાશે. સાથેસાથે શહીદ ભગતસિંહ અને ભારતમાતાની આરતી કરીને વીરાજંલી અપાશે.

