લદ્દાખમાં ગલવાન હિંસા પછી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનના આક્રમક વલણને જોતાં ભારતીય સૈન્યે પણ નક્કર તૈયારીઓ કરી છે. આ ક્રમમાં હવે સૈન્ય વધુ ૧૦૦ ઓટોમેટિક કે-૯ વજ્ર તોપ ખરીદશે. ઉત્તરીય સરહદો પર તૈનાતી માટે કે-૯ વજ્ર તોપ સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી ખાનગી કંપની લાર્સન એન્ડ ટુબ્રો બનાવશે.
મે ૨૦૨૦માં સરહદ પર ચીનના સૈનિકો સાથેની અથડામણ પછી સૈન્યે પૂર્વીય લદ્દાખમાં આ તોપ તૈનાત કરી છે. આ તોપને રણ વિસ્તારમાં લડવા માટે બનાવાઈ હોવા છતાં તેને એવી રીતે સજ્જ કરાઈ છે કે તે શૂન્ય તાપમાનમાં પણ લડી શકે છે. આ ગને તેની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને સૈન્યે પૂર્વીય લદ્દાખમાં ૨૦ ગન સાથે સંપૂર્ણ એક રેજિમેન્ટ તૈનાત કરી. સૂત્રોનું કહેવું છે કે સૈન્ય એલએન્ડટી પાસેથી કુલ ૨૦૦ કે-૯ વજ્ર ખરીદવા તૈયાર છે, પરંતુ પહેલા ઓર્ડર હજુ ૧૦૦ તોપનો જ હશે.
એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે વધુ ૧૦૦ વજ્ર તોપનો ઓર્ડર કરવા માટે સંરક્ષણ મંત્રાલયમાંથી મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં જ પ્રસ્તાવ માટે એલએન્ડટીને પ્રસ્તાવ માટે વિનંતી કરાશે. ત્યાર પછી ખર્ચ પર વાત થશે. અમે સંપૂર્ણ પ્રક્રિયાને ઝડપી બનાવીશું. શરૂઆતમાં આ તોપ રણ વિસ્તાર માટે ખરીદવામાં આવી હતી, પરંતુ પાછળથી તેની ઉપયોગીતાને જોતાં સંખ્યા વધારવા અંગે નિર્ણય લેવાયો હતો.

