મા જગદંબાની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રીનો ગઈકાલે સોમવારથી પ્રારંભ થઈ ચુક્યો છે. નવ દિવસ સુધી લોકો ભક્તિભાવ સાથે દિવસે ઉપવાસ કરે છે તો રાત્રીના ગરબે ઘૂમી માતાજીને રિઝવવા પ્રાર્થના કરે છે. પ્રાચીન સમયથી ચાલી આવતી ગરબાની પરંપરા હવે આધુનિક યુગમાં સાવ બદલાઈ ગઈ છે. નાની શેરી ગલીઓમાં થતી માતાજીની આરાધના હવે લાઈટ અને આંખો અંજાળતા પાર્ટી પ્લોટમાં બદલાઈ ગઈ છે. હવે સ્થિતિ એવી બની છે કે માતાજીની આરાધનાનો પર્વ હાલ મોજ શોખ અને દેખાદેખીનો પર્વ બની ગયો હોય તેમ એક પછી એક ગરબા આયોજકો ભવ્યાતિ ભવ્ય આયોજન કરી રહ્યા છે આવા સમયે પ્રાચીન ધરોહર ટકાવવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે જોકે આ પ્રાચીન ધરોહરને હજુ પણ ધીમે ધીમે સાચવવા લોકો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા ગરબા આયોજકો હજુ પણ શેરી ગરબીને જીવંત રાખવા મથી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ અલગ અલગ વિસ્તારમાં યોજાતા શેરી ગરબા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

મોરબી શહેરના મધ્યમાં આવેલ શક્તિ ચોક ગરબી મંડળ હજુ પણ શેરી ગરબા માટે જાણીતું નામ છે. મુસ્લિમ વિસ્તારના પ્રવેશ દ્વાર સમા શક્તિ ચોકમાં બે દશકાથી નવ યુવાનો દ્વારા શેરી ગરબાનું આયોજન કરાઈ રહ્યું છે. યુવાનો દ્વારા કરવામાં આવતા આ આયોજનમાં નાની બાળાઓ ગરબે ઘૂમે છે અને માતાજીની આરાધના કરે છે. નવ દિવસ દરમિયાન નાની બાળાઓ દ્વારા છુટા હાથે ઈંઢોળી રાસ, તલવાર રાસ, સહિતના અલગ અલગ પ્રકારના પ્રાચીન રાસની રમઝટ સાથે માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે. નવ દિવસ દરમિયાન અલગ અલગ સમયે શ્રેષ્ઠ પ્રદર્શન કરતી બાળાઓને વિવિધ ઈનામની લ્હાણી કરવામાં આવે છે તો બીજી તરફ દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ ગરબીને જોવા આવે છે. મોરબી શહેરમાં આ ઉપરાંત મંગલ ભુવન ચોક, દરબાર ગઢ ચોક, લાતી પ્લોટ સહિતના અલગ અલગ વિસ્તારમાં પણ આ રીતે શેરી ગરબાના આયોજન થકી પ્રાચીન ગરબાની ધરોહર બચાવવા પ્રયાસ થઈ રહ્યા છે તો બાળાઓ પણ મન મુકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. આ ઉપરાંત શહેરમાં અનેક લતા, સોસાયટીઓમાં પ્રાચીન પરંપરા જાળવવા માટે આયોજકોએ મહેનત કરી છે.

