ગુરુવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ આ ઘટાડા છતાં અદાણી ગ્રુપની કંપનીઓમાં જોરદાર તેજી જોવા મળી હતી. તેના કારણે ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં $4.02 બિલિયન એટલે કે લગભગ રૂ. 32,000 કરોડનો ઉછાળો આવ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ $149 બિલિયન સુધી પહોંચી ગઈ છે. હવે તે વિશ્વના બીજા ક્રમના સૌથી અમીર અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ખૂબ નજીક આવી ગયા છે. બેઝોસની કુલ સંપત્તિ $150 બિલિયન છે. બંનેની નેટવર્થ વચ્ચેનો તફાવત હવે માત્ર એક અબજ ડોલરનો છે. એટલે કે અદાણી ક્યારેય પણ બેઝોસને પછાડી શકે છે. ગુરુવારે બેઝોસની કુલ સંપત્તિમાં $2.39 બિલિયનનો ઘટાડો થયો હતો. આ વર્ષે અદાણીની નેટવર્થ $72.4 બિલિયન વધી છે, જ્યારે બેઝોસની નેટવર્થમાં $42.8 બિલિયનનો ઘટાડો થયો છે.
ગુરુવારે, BSE સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. પરંતુ અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓના શેર ઉછળ્યા હતા. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝને સૌથી વધુ 4.97 ટકાનો ફાયદો થયો હતો. અદાણી ટ્રાન્સમિશન 3.27 ટકા, અદાણી ટોટલ ગેસ 1.14 ટકા, અદાણી ગ્રીન એનર્જી 2.00 ટકા, અદાણી પોર્ટ્સ 2.21 ટકા, અદાણી પાવર તે 3.45 ટકા અને અદાણી વિલ્મર 3.03 ટકા વધ્યા હતા.
એપ્રિલ 2020 થી અદાણી જૂથના કેટલાક શેરોમાં 1000 ટકા સુધીનો વધારો થયો છે. આને કારણે અદાણીની નેટવર્થ રોકેટ ઝડપે વધી છે. વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચનાર એશિયામાંથી તે પ્રથમ વ્યક્તિ છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ 750 ગણા નફામાં ટ્રેડ કરી રહ્યાં છે જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી ટ્રાન્સમિશન તેમના વેલ્યુએશનમાં 400 ગણો વધારો થયો છે. તેની સરખામણીમાં મસ્કની ટેસ્લા અને બેઝોસની એમેઝોનનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો લગભગ 100 ગણો છે જ્યારે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 28 ગણો ટ્રેડ કરી રહી છે.

