ખાદ્યતેલોમાં સિંગતેલમાં છેલ્લા એક સપ્તાહમાં ડબાદીઠ રૂ.100-125 વધી સૌ પ્રથમ વખત રૂ.3000ની સપાટીને ક્રોસ થયો છે. તેજી પાછળનું મુખ્ય કારણ મગફળીનો સ્ટોક નથી, સતત વરસાદના કારણે નવી સિઝન લેટ થશે આ ઉપરાંત મહ્દઅંશે સંગ્રાહખોરી તેજીને વેગ આપી રહી છે. તહેવારોની સિઝન શરૂ થઇ રહી હોવાથી માગમાં ઝડપી વધારો થયો છે. સિંગતેલની તેજી પાછળ સાઇડ તેલ જેમ કે કપાસિયા તેલનો ડબો પણ વધી 2600ની સપાટી કુદાવી ચૂક્યો છે.
પેકિંગનો મુદ્દો: સરકારે પેકેજ્ડ કુકિંગ ઓઈલના નિયમોમાં સુધારો કર્યો છે. નવા આદેશ મુજબ ઑઇલ કંપનીઓએ ખાદ્ય તેલના પેક પર પેકિંગ વખતના તાપમાનની વિગત હટાવીને વાસ્તવિક વજન દર્શાવવું પડશે. આ ફેરફાર માટે 2023ની 15 જાન્યુઆરી સુધીનો સમય અપાયો છે. ખાદ્ય તેલનું વજન જુદા-જુદા તાપમાનમાં અલગ હોય છે. જો 21 ડિગ્રીએ પેકિંગ થાય તો 919 ગ્રામ વજન હશે અને જો 60 ડિગ્રીએ પેક થાય તો વજન 892.6 ગ્રામ રહેશે. ખાદ્ય તેલની બ્રાન્ડ્સ સામેની વિવિધ ફરિયાદો બાદ આ નિર્ણય લેવાયો છે. ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધઃ કોમોડિટીની વધતી કિંમતોને રોકવા માટે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સરકારે લીધો છે.
કિશોર વિરડિયા, પ્રેસિડેન્ટ, સોમા કહે છે કે, વેપારી, ખેડૂતો પાસે મગફળીનો સ્ટોક નથી, જે સ્ટોક છે તે નાફેડ (સરકાર) પાસે જ છે. સંસ્થાઓ પણ બજારભાવે માલ કટકે-કટકે વેચી રહી છે જેના કારણે ઓઇલ મિલોને ક્રશિંગ કરવું પરવડે તેમ નથી જેના કારણે મોટા ભાગની મિલો બંધ થઇ છે. નવી સિઝન સુધી મગફળીની ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી ભાવ મજબૂત રહી શકે છે.

