સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પહોંચતાની સાથે જ ટાઉનહોલની બહાર અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેજરીવાલે કહ્યું: આજે અમે દિલ્હીમાં જે કામ કર્યુ છે તે 75 વર્ષમાં નથી થયું. ગુજરાતમાં દિલ્હી જેવા સરકારી હોસ્પિટલ-સ્કૂલ જોઈએ છે ને? તમારે ગુજરાતમાં વીજળીના બિલ ઝીરો જોઈએ છે કે નહીં? અમારી સરકાર બનશે તો 3 મહિનામાં જ વીજળીના બિલ ઝીરો કરી દઈશું. ગજબનો ઉત્સાહ છે તમારા લોકોમાં. લોકોને જોઈને એવું લાગી રહ્યું છે કે, ગુજરાત હવે બદલાવ માંગે છે. આ ધર્મ યુદ્ધ છે. આજે આ લોકો પાસે મોટી સેના છે તો અમારી પાસે ભગવાન છે.
કામ કર્યું છે: નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે વાત માત્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકારની નથી, વાત એ છે કે ગુજરાતનો દરેક વાલી ઈચ્છે કે અમને પણ અમારા બાળકો માટે શાનદાર શિક્ષણ જોઈએ છે. આજે દિલ્હીની સરકારી શાળાઓ પ્રાઈવેટ શાળાઓને ટક્કર આપી રહી છે અને એટલે જ 4 લાખથી વધુ બાળકો પ્રાઈવેટ સ્કૂલ છોડીને સરકારી શાળામાં આવ્યાં છે.

