વલસાડમાં નાળિયેરી પૂનમની મોટી ભરતીના કારણે દરિયો તોફાની બનતાં સમુદ્રી કિનારાને લાગૂ આવેલા નાનીદાંતી મોટીદાંતી ગામના 250 જેટલા ઘરોમાં પાણી ભરાઇ જતાં રહીશો અત્યંત દયનીય પરિસ્થિતિમાં મૂકાઇ ગયા હતા. કાચા મકાનોની દિવાલો તૂટી જતાં ઉપર આકાશ નીચે ધરતી જેવી હાલત થઇ ગઇ હતી.નાળિયેરી પૂનમે દર વર્ષે દરિયો તોફાની બને છે અને ગુરૂવારે પણ આ સ્થિતિ સામે આવી હતી.વલસાડ જિલ્લાના 60 કિમીના દરિયા કાંઠામાં સમુદ્રી ભરતીના કારણે કિનારા પર રહેતા માછીમારોના ઘરોમાં ભરતીના પાણી ઘૂસી જતા માછીમારબંધુઓ ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા.

અમ્રતભાઇ ટંડેલ, પૂર્વ સરપંચ, દાંતી કહે છેઃ ગુરૂવારે નાળિયેરી પૂનમે દરિયો તોફાની બનતા દાંતી ગામના અઢીસો જેટલા ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા.બપોરે 2 વાગ્યાના સુમારે ભારે પવન અને વરસાદી માહોલ વચ્ચે ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે.મામલતદાર કચેરીના અધિકારીઓ આવી નિરીક્ષણ કરી ગયા હતા.
ભરતીની શક્યતા: હજી આગામી 3 દિવસ એકમ,બીજ અને ત્રિજની મોટી ભરતીની શક્યતા વચ્ચે વિકટ સ્થિતિની સંભાવના છે. ભરતીના પાણી ભરાયા બાદ સાંજે પાણી ઉતરી ગયા હતા,પરંતું તેમાં ઘરવખરીને બચાવવા માટે રહીશોએ ભારે મહેનત કરી હતી.જેમાં માછીમાર કુટુંબોમાં ભારે ઉદાસીનતા છવાઇ ગઇ હતી.માછીમારોએ પ્રોટેક્શન વોલમાં ગાબડા પડી જતાં ઘરોમાં પાણી ઘૂસી જવાની રાવ કરી હતી.

