આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આદે ગુજરાતમાં છે. તેઓ ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતે ટાઉન હોલ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. અચાનક જ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુરની જગ્યાએ અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે અમદાવાદમાં તેઓ મહિલાઓ સાથે સંવાદ કરશે અને કોઈ ગેરંટી પણ આપશે. તે ઉપરાંત કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ આજે અમદાવાદ આવશે.
ટિકિટ પર નજર: આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદ આવશે. કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના મુજબ તેઓ વિધાનસભાના પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે બેઠક કરશે. આ બેઠકમાં નિરીક્ષકો વિવિધ બેઠક પ્રમાણેનો અહેવાલ તૈયાર કરીને રજૂ કરશે. અગાઉ 2 વખત ગેહલોતનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો. કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે. આથી, ગેહલોત ઉમેદવાર મામલે જરૂરી સૂચના આપશે. કોંગ્રેસે 58 ઉમેદવારો ફાઇનલ કર્યા છે. છેલ્લી 3 ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ જલ્દી ઉમેદવાર જાહેર કરશે. ઉમેદવારનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલાયું છે.
નવી જાહેરાત થશે: વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર હોલમાં ટાઉન હોલ કાર્યક્રમમાં ગેરંટી જાહેર કરશે. ટાઉનહોલ કાર્યક્રમ પછી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યે અમદાવાદથી નીકળીને દિલ્હી જવા રવાના થશે. આમ આદમી પાર્ટીએ 10 જેટલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. અરવિંદ કેજરીવાલ ચાલુ ઓગસ્ટ મહિનામાં જ ત્રણ વખત ગુજરાત ખાતે આવી અને રોજગારી તેમજ આદિવાસીઓ માટે જાહેરાત કરી ચુક્યા છે.

