ભાવનગર : ભાવનગર શહેરની સિટી મામલતદાર કચેરી સહિતના ૩ નાગરીક સુવિધા કેન્દ્રમાં કામગીરી માટે સ્ટેમ્પ પેપર ફરજીયાત કરતા લોકોની દોડધામ વધી હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર ગ્રામ્ય મામલતદારની કચેરીમાં સ્ટેમ્પ પેપર લેવા માટે લોકોની ભીડ જામતી હોય છે. કેટલીકવાર સ્ટેમ્પ ખાલી થઈ જતા લોકોને જુદા જુદા સ્થળે ધક્કા થતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે લોકહિતમાં યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.

શહેરની સિટી મામલતદાર કચેરી સહિતના ૩ નાગરીક સુવિધા કેન્દ્ર ખાતે સોંગધનામુ, જુદી જુદી યોજનાના ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરી માટે પહેલા રૂ. પ૦ કોર્ટ ફીની ટીકીટ ચાલતી હતી તેથી અરજદારોને આસાની રહેતી હતી પરંતુ છેલ્લા થોડા દિવસથી રૂ. પ૦નો સ્ટેમ્પ પેપર જુદી જુદી કામગીરી માટે ફરજીયાત કરવામાં આવ્યો છે અને રૂ. પ૦ની કોર્ટ ફીની ટીકીટ નહી ચાલે તેવુ જણાવવામાં આવે છે તેથી અરજદારોને રૂ. પ૦નો સ્ટેમ્પ પેપર લેવા માટે દોડવુ પડતુ હોય છે. ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ પેપર મળે છે તેથી ત્યાં છેલ્લા થોડા દિવસથી ભીડ જોવા મળતી હોય છે.
કેટલીકવાર સ્ટેમ્પ પેપર ખાલી થઈ જતા લોકોને બજારમાં ધક્કા થતા હોય છે તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્ટેમ્પ પેપર લોકોને આસાનીથી મળી રહે અને લોકોનુ કામ આસાનીથી પૂર્ણ થાય તેવુ આયોજન સરકારી તંત્રએ કરવુ જરૂરી છે.

