જેતપુર રોડની હાલત ખૂબજ કફોડી બની ગઈ છે. આમ છતાં શાસકો કોઈ જ પગલા લેેતા નથી. જયાં જૂઓ ત્યાં ખાડા રાજ જોવા મળે છે. આજે આ રસ્તાની તકલીફને ઉજાગર કરવા વેપારીઓ ગુલાબના ફૂલ લઈને રોડ પર ઉતરી આવ્યા હતા. જેટલા લોકો ખાડા પસાર કરીને જેતપુર રોડ પરથી આવતા હતા એ બધાને અટકાવી ગુલાબના ફૂલો આપી રસ્તા પર હેમખેમ પસાર થવા બદલ અભિનંદન આપતા હતા ! આ નવતર પ્રયોગથી લોકોમાં હાસ્યનું મોજું ફેલાયું હતુ.

અનોખો વિરોધ: જોકે આ કોઈ શુભેચ્છાના ફૂલ ન હતા, વિરોધ પ્રદર્શન કરીને હાઇવે ઓથોરિટી સામેનો કટાક્ષ હતો. ધોરાજી જેતપુર રોડ પર એકની એક સમસ્યા એ છે કે રસ્તામાં મોટા મોટા ખાડા પડી જાય છે.છતા એનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. સામાન્ય વરસાદમાં પણ રસ્તા ધોવાઈ જાય છે. અને મોટા મોટા ખાડા પડી જાય છે. આ રસ્તા મુદ્દે અવારનવાર ચકકાજામ સહિતના કાર્યક્રમો થઈ ચૂક્યા છે. પણ શાસકો કોઈ જ વિશેષ પગલા લેતા નથી. તેમજ દર વર્ષે સ્ટેટ હાઈવે ઓથોરિટી રસ્તા નવા બનાવે છે પણ તકલાદી રસ્તાઓ બનાવવામાં આવતા હોવાથી રસ્તાની વેલીડીટી ચોમાસા પહેલા જ પુરી થઈ જાય છે. રસ્તામાં મોટા મોટા ખાડા પડી જાય છે. જે ચાર ચાર માસ સુધી રિેપેર થતા નથી. જેથી હાલાકીનો સામનો વાહન ચાલકોએ કરવો પડે છે.
મણકાતોડ માર્ગ: ખાડા એટલા મોટા હોય છે કે લોકોના મણકાં ખસી જાય એવી હાલત થઈ જાય છે. હવે આ રસ્તાનો કાયમી ઉકેલ લાવવામાં આવે એવી વેપારીઓની માગણી છે.

