મહેસાણા જિલ્લામાં મચ્છરના લાર્વાની નાબૂદી માટે ડ્રોનની મદદથી ઓર્ગેનિક લાર્વીસાઇડ (BTI) છંટકાવના પાયલોટ પ્રોજેક્ટનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે હાઈ રાઈઝ બિલ્ડીંગ, ખાબોચિયા, તળાવોમાં ભરાયેલ પાણીના ડ્રોનની મદદથી ફોટા લઇને મચ્છરના લાર્વાની નાબૂદી કરવા દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.
ડ્રોનની મદદથી ઉંચી બિલ્ડીંગ પર ભરતા પાણી, મોટા તળાવો અને ખાબોચિયા જેવા વિસ્તારોમાં ભરાયેલ પાણીની જગ્યાઓને શોધીને હેવી ડ્યુટી ઓટોમેટીક સ્પ્રે ડ્રોનના ઉપયોગથી લાર્વીસાઈડ છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે પાણી ભરાયેલ વિસ્તારમાં મચ્છર ઈંડા મુકે છે.

આ ટેકનોલોજી દ્વારા લાર્વા મચ્છરમાં રૂપાંતરિત થાય તે પહેલા જ તેનો લાર્વીસાઈડ સ્પ્રે કરી નિયંત્રણ કરવામાં આવે છે. આ આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગનું નિયંત્રણ કરવામાં આરોગ્ય વિભાગને સહાય મળે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે કે જે વિસ્તારોમાં ગ્રાઉન્ડ સર્વેલન્સ ટીમનું પહોંચવું મુશકેલ છે. તેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી સ્પ્રેનો છંટકાવ કરવામાં આવશે.

