અમદાવાદમાં મળેલા ગુજરાત કોંગ્રેસ લઘુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે વિવાદ થાય એવું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસના પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે ડંકાની ચોટ પર કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો છે, અને આજે પણ કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે.
હક પર દાવો: આવું બોલવાથી કેટલું નુકસાન થયું હતું અને કેટલું થશે એનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ પાર્ટી પોતાની વિચારધારાને વરેલી છે. તો હિંદુસ્તાનની સંપત્તિ પર લઘુમતીઓનો પહેલો હક હોવાનો કોંગ્રેસે ફરી એકવાર દાવો કર્યો છે. જગદીશ ઠાકોરે ભરી સભામાં દેશની સંપત્તિ પર પહેલો હક તો લઘુમતી સમાજનો જ હોવાના કોંગ્રેસના દાવાનો ઉલ્લેખ કરીને રાજકીય લોબીમાં નવો મુદ્દો શરૂ કરેલો છે.

પ્રચાર સાથે મત અપીલ: ભાજપ પાસે આજે કાર્યકરો નથી, તમામ કાર્યક્રમો સરકારના ખર્ચે કરાઈ રહ્યા છે. જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લઘુમતીના 20000 થી વધુ વોટ ધરાવતી રાજ્યમાં 60 બેઠકો છે, આ તમામ બેઠકો પર કાર્યક્રમો કરવાના છે. દરેક બેઠક પર લઘુમતિના દરેક ફિરકા અને જમાતને આમંત્રણ આપો. મતદાનના દિવસે મહત્તમ મતદાન કરવાનો પ્રયત્નો કરો.

