હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ગરમી તેમજ બફારામાં સેકાયા બાદ હવે પીજીવીસીએલ કચેરી સફાળી જાગી છે. અને વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સૂન કામગીરીનો આરંભ કર્યો છે. જોકે આ કામગીરી વરસાદ પહેલા કરવાની હોય છે. પરંતુ આયોજન અને કામ કરવાની દાનત ના હોય તેમ હવે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા પીજીવીસીએલ સફાળુ જાગ્યું છે. જેમાં વરસાદની પધરામણી બાદ પ્રિમોન્સૂન કામગીરી આરંભી છે.
વાડી વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તારોમાં લાલઆંખ કરીને હંમેશા દંડની કાર્યવાહી કરતું પીજીવીસીએલ શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં વામણું પુરવાર થયું છે. જેનો જીવતો દાખલો બે છાંટા પડે અને વીજ પુરવઠો ખોરવાઇ જતો હોવાનો અનુભવાય છે. ત્યારે હવે પીજીવીસીએલ સફાળું જાગ્યું છે. જેમાં હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સૂન કામગીરીના નામે આજે બપોર સુધી વીજ કાપ રહેશે. જેમાં જુની મામલતદાર કચેરી, રાજોધરજી સ્કૂલ, ગોકુલનગર, બસ સ્ટેશન પાછળ, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન રોડ, એસબીઆઇ બેંક, સતનામ કોમ્પ્લેક્ષ, ધ્રાંગધ્રા દરવાજો, સલાટફળી, ભટ્ટફળી, રાવળફળી, ચોતરાફળી, જાનીફળી, સુમરાવાસ, વાણિયાવાસ, ગોરીદરવાજો, દરબારનાકા, મેઇન બજાર, પ્રમુખ સ્વામીનગર, આનંદપાર્ક, નાલંદા સ્કૂલ, ગીરનારી નગર, ભોજનશાળા, પારેખ ફળી અને દવે ફળીમાં વીજ કાપ રહેશે.
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા: વરસાદના આગમન બાદ પ્રિ-મોન્સૂન કામગીરીનો આરંભ !
RELATED ARTICLES

