છેલ્લા થોડા દિવસોથી સ્પાઈસ જેટના એરક્રાફ્ટમાં ટેકનિકલ ક્ષતિની 8 ઘટના સામે આવી છે. જેને લઈ હવે ડીજીસીએ હરકતમાં આવ્યું છે અને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ઈંધણ ઈન્ડિકેટરમાં ખામી સર્જાયા બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તે જ દિવસે, કંડલા-મુંબઈ ફ્લાઇટને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડ્યા બાદ મહારાષ્ટ્રની રાજધાનીમાં લેન્ડ કરવામાં આવી હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ સ્પાઈસ જેટને નોટિસ જારી કરી છે. માહિતી અનુસાર, છેલ્લા 18 દિવસમાં 8 ખરાબી ઘટનાઓ બાદ DGCAએ સ્પાઇસજેટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. મંગળવારે આ બે ઘટનાઓ સામે આવ્યા બાદ છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.

