ગુજરાત ATS એ (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ) મુંબઈથી તિસ્તાની અટકાયત કરી હતી. અમદાવાદ મોડી રાત્રે તિસ્તાને લાવવામાં આવી હતી. વહેલી સવારે એટીએસે ક્રાઈમ બ્રાન્ચને સોંપતા તેની ધરપકડ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડને સવારે 6 વાગે ગુજરાત ATSએ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરી હતી. મેડિકલ રિપોર્ટ માટે તિસ્તા સેતલવાડને ક્રાઈમ બ્રાન્ચથી વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રીકુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં બંનેને લઈ જવાયા હતા.
રિમાન્ડ મંજૂર: આ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે 2 જુલાઈ સુધી જ બન્નેના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે SIT બનાવી છે જે આગળની તપાસ કરવામાં કરશે.
સહકાર નથી આપતી: હાલ તપાસમાં તિસ્તા સહકાર ન આપતી હોવાનો ખુલાસો થયો છે. એ.સી.પી ડી.પી ચુડાસમા સહિતના ઉચ્ચ અધિકારીઓ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તિસ્તા એ નિવેદન આપ્યું કે, હું આરોપી નથી. મારા વકીલને મળ્યા બાદ કોર્ટ રૂમમાં જઈશ. મારી સાથે બળજબરી ન કરો. મારા વકીલ સાથે વાત કરવી છે. ડીસીપી ક્રાઇમ, ચૈતન્ય માડલીકે જણાવ્યું હતું કે, આરોપીઓનો હેતુ નિર્દોષ નાગરિકોને મૃત્યુદંડ અથવા હાનિ થાય તેવી સજા થાય અપાવવાનો તથા અરાજકતા ફેલાવવા માટે તેમણે આમ કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

SITમાં આ અધિકારીઓ સામેલ:
રાજ્યના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદને લઈને SIT બનાવવામાં આવી છે. જેમાં મુખ્ય ઇન્ચાર્જ તરીકે DIG દીપન ભદ્રનની નિમણૂક કરવામાં આવી છે. તેમની મદદ માટે SP સુનિલ જોશી,ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકની પણ નિમણૂંક કરવામાં આવી છે. DYSP બી.સી.સોલંકીની પણ નિમણૂંક કરાઈ છે, જે કેસની તપાસ કરશે અને અન્ય 2 મહિલા PI ની પણ નિમણૂક કરવામાં આવી છે.
સંજીવ ભટ્ટ સામે ટ્રાન્સફર વોરંટ:
SIT દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. જેમાં ખોટા દસ્તાવેજો અંગે, NGO મામલે, ફાયનાન્સ અને અન્ય વિગત અંગે તપાસ કરવામાં આવશે. તારીખ 27 જૂને ત્રીજા આરોપી સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટના આધારે પાલનપુર જેલમાંથી ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવશે, જે બાદ વધુ તપાસ શરૂ થશે. આ સાથે તિસ્તા સેતલવાડ શરૂઆતથી જ તપાસમાં સહકાર આપતા નથી જેને લાઈમે SIT માં 2 મહિલા PI ને પણ સામેલ કરવામાં આવ્યા છે.

3 સામે ફરિયાદ 2ની ધરપકડ કરી:
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે મીડિયાને જણાવ્યું હતું કે, તારીખ 24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાના કારણે એક ગુનો દાખલ કર્યો છે. જેમાં તિસ્તા, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ આરોપી છે.જેમાં બેની ધરપકડ કરવામાં આવશે. સજીવ ભટ્ટને લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તિસ્તા સપોર્ટ નથી કરી રહી. અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીએ જ્યાં જ્યાં ખોટું કર્યું છે ત્યાંથી પૂરાવા ભેગા કરવામાં આવશે. તિસ્તા સિવાય કોઈ અન્ય હશે તે બહાર આવશે તેની સામે તપાસ થશે. આર બી શ્રીકુમાર અને તિસ્તા સપોર્ટ નથી કરી રહ્યા.

