વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આજ રોજ સોમનાથમાં કોંગ્રેસ મહત્વની બેઠક યોજી ચૂંટણીલક્ષી મંથન કરશે. સોમનાથમાં આજે કોંગ્રેસની રેલી અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીલક્ષી રણનીતિ નક્કી કરાશે. સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કર્યા બાદ કોંગ્રેસ દ્વારા રેલી અને બેઠક યોજાશે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિત સૌરાષ્ટ્રના તમામ કોંગ્રેસના MLA હાજરી આપશે.

સોમનાથથી શરૂવાત: બેઠકમાં પ્રભારી રઘુ શર્મા ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા રાઠવા, અર્જુન મોઢવાડીયા સહિત તમામ પ્રદેશ નેતાઓ હાજર રહેશે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની આગેવાનીમાં આવતીકાલે સવારે 9 વાગ્યે વેરાવળ બાયપાસથી કાર-બાઈક રેલી યોજાશે
જવાબદારી સોંપાય: સાંજના પાંચ વાગ્યાથી સૌરાષ્ટ્ર ઝોન બેઠક શરૂ કરશે અને આવતીકાલ સુધી ચાલશે. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખી સૌરાષ્ટ્રની રણનીતિ ઘડવામાં આવશે. બે દિવસની બેઠકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર નેતાગીરી પરામર્શ કરીને માર્ગદર્શન આપશે તેમજ સંબંધિત નેતાઓને અલગ-અલગ જવાબદારી સોંપાઇ શકે.

