વીજ પાવરના દરોને લઈ આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. રાજયમાં સૌથી વઘુ મોંઘા વીજ પાવરના દરો લોકો પાસેથી વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરી આ મુદે લોકો પાસે જઈ જાગૃત કરવાનું કામ આપ પાર્ટી કરશે. જે અંર્તગત ગીર સોમનાથના વેરાવળમાં આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખની આગેવાનીમાં મોંઘા વીજદરના વિરોધમાં મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર તંત્રને આપવામાં આવ્યું છે. ગુજરાતના નાગરીકોને 200 યુનીટ વીજળી ફ્રીમાં આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

ઉપ પ્રમુખની વાત: આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ જગમાલ વાળાએ પત્રકારો પરીષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મોંઘી વિજદળના વિરોધમાં આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇ લોકોને જાગૃત કરશે અને આ માટે જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે. કારણ કે, ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે. જેનું કારણ એ છે કે, રાજયમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજય સરકારે ઇરાદાપૂર્વક નષ્ટ કરી નાખ્યા છે. જેથી વિજ પુરવઠા માટે ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત રહેવુ પડે છે. રાજય સરકારના આ આંધળા ખાનગીકરણની ઉંચી કિંમત ગુજરાતના નાગરીકો ભોગવી રહ્યા છે.

