કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવાએ નર્મદાના રાજપીપળા ખાતે યોજાયેલા સંકલ્પ સંમેલનમાં કાર્યકરની હૈયાવરાળ સાથે પોતાનો પણ ઉભરો ઠાલવતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓનો લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ પણ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસની હાર માટે પક્ષની જ નીતિરીતિ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, શહેરી વિસ્તારોના મતદારોનો વિશ્વાસ સંપાદન કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. અમને આ બાબતની ખબર છે તેથી અમે હવે શહેરી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે રાજ્યભરમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતના મુ્દ્દે આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢ્યા છે અને બીજી તરફ જુદા જુદા સામાજિક સંમેલનો યોજીને ભાજપ સરકારની નિષ્ફળતા લોકો સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. નર્મદાના રાજપીપળા ખાતે આવું જ એક જનસંકલ્પ સંમેલન યોજાયું હતું.

આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા અને ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાની હાજરીમાં જ એક કાર્યકરે ‘કોંગ્રેસમાં બધા લોકો હોદ્દા લઈને બેસી જાય છે, કોઈ કામ કરતું નથી, કાર્યકરોની કોઈને પડી નથી’ જેવા ઉચ્ચારણો કરતા સંમેલનમાં સોંપો પડી ગયો હતો. કેટલાક સ્થાનિક આગેવાનોએ આ કાર્યકરને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આવેશમાં આવી ગયેલો કાર્યકર નેતાઓની હાજરીમાં હોબાળો કરીને સભાસ્થળ છોડી ગયો હતો.
આ ઘટના અંગે મીડિયા સાથે વાતચીત કરતા સાંસદ રાઠવાએ કાર્યકરની નારાજગીને વાજબી ઠેરવતા કહ્યું કે, સ્થાનિક સ્તરે નિમણૂક પામેલા હોદ્દેદારો સામે તેમનો બળાપો હતો. સાથોસાથ કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની કફોડી સ્થિતિ માટે નાગરિકો સાથેનો સંપર્ક તૂટી જવાની બાબતને જવાબદાર ઠેરવતા કહ્યું કે, પાર્ટીના જુદા જુદા સેલ-મોરચાના આગેવાનો તેમને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવતા નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, સ્થાનિક સ્તરે લઘુમતી સેલની જવાબદારી જેમને સોંપવામાં આવી છે, તેમણે ક્યારેય વિસ્તારના લઘુમતી સમાજના લોકો સાથે કોઈ મુદ્દે ચર્ચા કરવાનું તો દૂર આ સમાજના લોકોને મળ્યા પણ નથી!

