હીટવેવની અસર અમદાવાદ સહીત રાજ્યભરમાં પડી રહી છે, તેવામાં લીંબુ હોલસેલમાં રૂ.40 કિલો અને રિટેઇલમાં રૂ.80 કિલો થતા લોકોને રાહત થઇ છે લીલા શાકભાજીના ભાવો પણ રૂ.60 થી 80 કિલો મળી રહ્યા છે. તેવામાં સરગવો સામાન્ય દિવસોમાં રૂ.30 કિલો મળતો હતો તે અત્યારે રૂ.120 કિલો મળી રહ્યો છે. લીંબુના ભાવ ઘટતાની સાથે લીંબુ પાણીનો ગ્લાસ રૂ.15 થઇ ગયો છે જયારે નાળિયેરની આવક હજુ પણ ઓછી રહેતા મોટા પાણી વાળા નાળિયેર રૂ.70 અને નાના નાળિયેર રૂ.40 મળે છે. લીલા શાકભાજીના ભાવો ઘટતા ગૃહિણીઓએ હાલ પૂરતો હાશકારો અનુભવ્યો છે વેપારીઓના મતે ટામેટાની આવક ઓછી થતા ભાવો વધે તેવી શક્યતા હતી પરંતુ બજારમાં હોલસેલમાં રૂ.35 કિલો અને રિટેઇલમાં રૂ.60 કિલો મળી રહ્યા છે.

શાકભાજી સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે, જે લીલા શાકભાજી રૂ.80 થી 120 કિલો મળતા હતા તે અત્યારે રૂ.60 થી 80 કિલો મળી રહ્યા છે. સામાન્ય દિવસોમાં સરગવો રૂ.35 કિલો મળતો હતો તે અત્યારે રૂ.120 કિલો મળી રહ્યો છે. બજારમાં એક માસ પહેલા કેસર કેરી રૂ.1400ની 10 કિલો પેટી મળતી હતી તે ઘટીને રૂ.700 થી 800માં મળી રહી છે જયારે હાફુસની ચાર ડઝન પેટી રૂ.2500માં મળતી હતી તે હાલમાં રૂ.1800માં મળી રહી છે.

