HomeNationalપંજાબમાં ભ્રષ્ટાચાર મામલે આરોગ્ય પ્રધાન ઘરભેગા

પંજાબમાં ભ્રષ્ટાચાર મામલે આરોગ્ય પ્રધાન ઘરભેગા

ટેન્ડર્સ મંજૂર કરવા બદલ અને વિભાગની ખરીદીમાં કમિશનના કૌભાંડ માટે પંજાબના આરોગ્ય પ્રધાન વિજય સિંગલાની પોલીસે ધરપકડ કરી હતી. બીજી બાજુ મુખ્ય પ્રધાન ભગવંત માને સિંગલાને પ્રધાનમંડળમાંથી બરતરફ કર્યા હતા.

શું કહ્યું મુખ્યમંત્રી એ: સિંગલાની બરતરફીની જાહેરાત કરતાં મુખ્ય પ્રધાને ભ્રષ્ટાચાર તરફ આમ આદમી પાર્ટીના ઝીરો ટોલરન્સનો પુનરોચ્ચાર કર્યો હતો. લગભગ બે મહિનાથી પંજાબમાં સત્તાધારી બનેલી આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે વિજય સિંગલા તેમના વિભાગના દરેક ટેન્ડર અને ખરીદીમાં એક ટકો કમિશન લેતા હોવાનું ધ્યાનમાં આવ્યા પછી તેમને પ્રધાનમંડળમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો હતો. ભ્રષ્ટાચારની પાકી માહિતી મળ્યા પછી વિજય સિંગલા સામે ફરિયાદ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. એ ફરિયાદના અનુસંધાનમાં પંજાબ પોલીસે વિજય સિંગલાની ધરપકડ કરી હતી.

કમિશન લેતા હતા: ભગવંત માને એક વિડિયો મેસેજમાં જણાવ્યું હતું કે રાજ્યના એક પ્રધાન ટેન્ડર્સ પાસ કરવા બદલ અને ખરીદીમાં એક ટકો કમિશન માગતા હોવાના બનાવો તરફ મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મેં એ બાબતને ગંભીરતાથી લીધી હતી. આ ઘટના ફક્ત હું જાણતો હતો. પ્રસાર માધ્યમો કે વિરોધ પક્ષો પણ આ બાબત જાણતા નહોતા. એ પ્રધાન સામે હું કડક પગલાં લઈ રહ્યો છું. તેમને પ્રધાનમંડળમાંથી હટાવીને રાજ્યના પોલીસતંત્રને તેમની સામે કેસ નોંધવાની સૂચના પણ આપી રહ્યો છું. એ પ્રધાનનું નામ વિજય સિંગલા છે. તેઓ રાજ્યના આરોગ્ય પ્રધાન હતા. આરોગ્ય મંત્રાલયમાં ગેરરીતિ ચાલતી હોવાની અને તેમાં પોતાની સંડોવણીની વિજય સિંગલાએ કબૂલાત કરી હતી.

કેજરીવાલે માનની પીઠ થાબડી: આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આરોગ્ય પ્રધાન વિજય સિંગલાને બરતરફ કરવા બદલ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની પ્રશંસા કરી હતી. કેજરીવાલે વર્ચ્યુઅલ (વિડિયો) પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ઘટના પુરવાર કરે છે કે આખા દેશમાં ફક્ત આમ આદમી પાર્ટી પ્રામાણિક સરકાર આપી શકે એમ છે. ભ્રષ્ટાચાર રાષ્ટ્ર સાથે દગો છે. એ આમ આદમી પાર્ટી કોઈ પણ ભોગે ચલાવી નહીં લે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW